શિષ્ટાચારની મહત્તા: દુકાનમાંથી એક વખત ગયેલો ગ્રાહક બીજી વખત તે દુકાનમાં ચડતો નથી
જીવનમાં પોતાના વર્તનમાં શિષ્ટાચાર પાળવાથી તથા નિષ્ટકપટતા છલકાવવાથી લોકોમાં આકર્ષણનું કેન્દ્રબિંદુ બની શકાય છે. આ શિષ્ટાચાર રૂપી મૂડી દ્વારા વ્યાજ રૂપે સમાજમાં માન તથા ધંધા- નોકરીમાં બરકતની વૃદ્ધિ થાય છે.
વિદ્યા તથા સંસ્કારના મિલનથી શિષ્ટાચારની ઉત્પત્તિ થાય છે. જીવનની સફળતામાં સભ્યતા બહુ મોટો ભાગ ભજવે છે. સભ્યતામાં અદભૂત શક્તિ સમાયેલી છે જેથી લોકો તરફથી પ્રેમ અને આદર મળે છે.
કોઈ પણ દુકાનમાં જ્યાં સારી રીતે આવકાર મળે છે તથા ગ્રાહકો જોડે સભ્યતાથી વેપારમાં વ્યવહાર થતો હોય ત્યાં ગ્રાહકો ખેંચાઈ આવે છે અલબત્ત માલની ગુણવત્તા તો જોવાય જ છે. પરંતુ ગ્રાહકોની ભીડ તે દુકાનમાં રહેશે તથા ધંધામાં બરકત રહે છે ને ગ્રાહકોને આ દુકાન જોડે આત્મિયતા બંધાઈ જતા તે ગ્રાહકો તે દુકાનનાં કાયમી ગ્રાહક બની જાય છે અને દુકાનની ‘ગુડવીલ’ માં ઉમેરો થતો જાય છે.
પરંતુ જ્યારે જે દુકાનમાં શેઠ કે સેલ્સમેન અસભ્ય વર્તન દાખવશે તથા અભદ્ર વ્યવહાર કરશે ને કડવી કે તોછડી ભાષા વાપરી ગ્રાહકને ઉતારી પાડશે તો એ દુકાનમાંથી એક વખત ગયેલો ગ્રાહક બીજી વખત તે દુકાનમાં ચડતો નથી. પછી ભલેને માલ સસ્તો અને ગુણવત્તાવાળો માલ મળતો હોય. ગ્રાહકોને પોતાનું માન ગુમાવવું ગમતું નથી.
જે વ્યક્તિની વાણીમાં કટૂતા હોય તથા બોલવાની ઢબ બરાબર ન હોય તો તે કોઈ પણ જગ્યાએ નોકરીમાં ટકી શકતો નથી તથા તેઓને નિષ્ફળતાની જ બારી દેખાશે.
શ્રીમંત માણસ હોય, પણ તેની વાણી કે વર્તનમાં અસભ્યતા હશે તો લોકો તેનાથી દૂર જ રહેવાં માનશે. સામી વ્યક્તિ મોટી હોય કે નાની, તવંગર હોય કે ગરીબ , ઉચ્ચ કક્ષાની હોય કે નીચલી કક્ષાની હોય, શિક્ષિત વર્ગ હોય કે પછાત વર્ગની હોય તો પણ બધાને પોતાનું સ્વમાન વહાલું હોય છે. બધા જોડે વિનમ્રતાથી જ વર્તવું જોઈએ.
સામી વ્યક્તિ કોણ છે કે કેવી છે તે બાબત ગૌણ છે પરંતુ કોઇ પણ જોડે વાતચીત કરવાની રીતભાતમાં તથા વર્તનમાં સભ્યતા હોવી જ જોઈએ. સામેવાળી વ્યક્તિ જોઈને બોલવાની રીત એ નર્યો દંભ જ છે અને કૃત્રિમ પણ હોય છે તથા દંભ ઓળખાઈ જતા તે વ્યક્તિનો પ્રભાવ ઘટી જાય છે. વિનમ્રતાભર્યું વર્તન સહજતાથી થવું જોઈએ.
જે વ્યક્તિના સ્વભાવમાં સભ્યતા તથા નમ્રતા વણાયેલી હશે તો તે વ્યક્તિ લોકોમાં પ્રિય થઈ પડશે. વિદ્યાલય કે મહાવિદ્યાલય, ઘર કે દુકાન, આશ્રમ કે સમાજમાં જો શિષ્ટાચારનું પાલન થતું હશે તો ત્યાં લક્ષ્મીદેવોનો આવાસ રહેશે અને શાંતિનું વાતાવરણ રહેશે અને સાથે સાથે લોકોમાં સહકાર વૃત્તિનું વલણ જોવા મળશે.
નાનામાં નાનો વ્યવહાર ભૂલવો ન જોઈએ જેમ કે પોતાનું કામ બીજા થકી થતા, તેનો આભાર માનવાનું ભુલાવું ન જોઈએ. અથવા પોતાની ભૂલ થઈ જતા ક્ષમા માંગવાનું પણ ભુલાવું ન જ જોઈએ તથા શરમાવું પણ ન જોઈએ. આવા નાના વ્યવહારો ભુલાઈ જવાથી લોકો તેને અભિમાની માને છે.
સભ્યતા આચારવાથી પોતાની વ્યક્તિત્વનો વિકાસ આપમેળે જ થાય છે. લોકો જોડે સારું વર્તન રાખવાથી લોકો પ્રસન્ન થતા તે ઉન્નત્તિના માર્ગનાં દરવાજા ખૂલી જાય છે. શિષ્ટાચાર એ એક લોહચુંબક જેવું કામ કરે છે સભ્યતાથી વર્તતા લોકો તેના તરફ ખેંચાય છે. સભ્યતાથી વર્તતા સામી વ્યક્તિ પણ સભ્યતાથી વર્તશે. જેવું વાવશો તેવું લણશો. વિનમ્રતામાં અભિમાનનો એક પણ છાંટો હોતો નથી. માનવતાપૂર્ણ વ્યવહાર કરવો એજ પોતાની ખરી જીત છે.
શિષ્ટાચારથી ભણતર, જીવતર કે ઘડતર લૌકિકક કે ધંધાકિય વ્યવહારમાં પણ સફળતા મળ્યા વિના રહેશે નહિ અને ક્રોધ, કંકાસ કે કકળાટનો અવકાશ પણ રહેશે નહિ. જે મા-બાપ શિષ્ટાચારનાં આગ્રહી હશે તો તે સંસ્કાર બાળકોમાં સીંચાયા વગર રહેશે નહિ.