Western Times News

Gujarati News

ભ્રષ્ટાચાર કેસમાં ઈમરાન ખાન- પત્ની બુશરા દોષિત જાહેર

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા ઈમરાન ખાનને વધુ એક ફટકો પડ્યો છે. ઇસ્લામાબાદની ભ્રષ્ટાચાર વિરોધી અદાલતે મંગળવારે તોશાખાના ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં બંધ ભૂતપૂર્વ વડા પ્રધાન અને તેમની પત્ની બુશરાને દોષિત ઠેરવ્યા હતાં. ઈસ્લામાબાદ સ્થિત એકાઉન્ટિબિલિટી કોર્ટના જજ મુહમ્મદ બશીરે અદિયાલા જેલમાં સુનાવણી હાથ ધરી હતી.

કોર્ટમાં આરોપો વાંચવામાં આવ્યા ત્યારે ઇમરાન ખાન અને બુશરા બીબી હાજર હતાં. તેઓએ દોષિત ન હોવાની દલીલ કરી હતી. આ કેસ મુજબ ૭૧ વર્ષીય ભૂતપૂર્વ વડાપ્રધાન અને તેમની પત્નીને વિવિધ રાષ્ટ્રના વડાઓ તરફથી ૧૦૮ ભેટો મળી હતી, જેમાંથી તેમણે સરકારને ઓછી કીંમત ચુકવીને મોંધીદાટ ૫૮ ભેટો રાખી લીધી અને તોશાખાનામાં જમા કરાવી ન હતી.

તોશાખાના સંબંધિત નિયમો મુજબ સરકારી અધિકારીઓ કિંમત ચૂકવીને ભેટો રાખી શકે છે, પરંતુ પ્રથમ ભેટ જમા કરાવવી જાઈએ. આ કેસ અન્ય તોશાખાના કેસ કરતા અલગ છે જેમાં ઇમરાન ખાનને પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા અને આ કેસમાં પણ ભેટોના વેચાણમાંથી મળેલી રકમ છુપાવવા બદલ તેમને દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

સાઇફર કેસમાં રીલીઝ વોરંટ જારી થયા પછી તરત જ જેલમાં બંધ ઇમરાન ખાનની પાકિસ્તાન આર્મી હેડક્વાર્ટર પરના હુમલા સાથે સંબંધિત કેસમાં મંગળવારે ધરપકડ કરાઈ હતી. રાવલપિંડીની એક આતંકવાદ વિરોધી અદાલત (એટીસી)એ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ ના સ્થાપકને સમન્સ પાઠવ્યું હતું. આ આતંકવાદ વિરોધી અદાલતે ૯ મેના રમખાણો સાથે જાડાયેલા ૧૨ કેસોની સુનાવણી હાથ ધરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.