૨ વર્ષમાં પર્યટન સ્થળો-ઉત્સવોમાં ૩૫.૮૯ કરોડ પ્રવાસી જોડાયા
ગાંધીનગર, સમગ્ર દેશમાં દર વર્ષે ૨૫ જાન્યુઆરી ‘રાષ્ટ્રીય પર્યટન દિવસ’ તરીકે ઉજવાઇ છે. દેશભરમાં વર્ષ ૨૦૨૫માં રાષ્ટ્રીય પર્યટન દિવસ ટુરિઝમ ફોર ઇન્કલુસિવ ગ્રોથની થીમ ઉપર ઉજવાશે.
ગુજરાતમાં વાઇબ્રન્ટ નવરાત્રિ, ધોરડો રણોત્સવ, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, સાપુતારા મેઘ મલ્હાર, તરણેત્તર મેળો, માધવપુર મેળો, કાંકરિયા કાર્નિવલ જેવા અનેક ઉત્સવો, સોમનાથ, દ્વારકા, અંબાજી, સૂર્યમંદિર મોઢેરા, રાણીની વાવ, હેરીટેજ સિટી અમદાવાદ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવરાજપુર બીચ સહિત વિવિધ પ્રવાસન સ્થળો દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
પરિણામ સ્વરૂપ ગુજરાતમાં વર્ષ ૨૦૨૩માં ૧૭.૨૬ કરોડથી વધુ અને વર્ષ ૨૦૨૪માં ૧૮.૬૨ કરોડ એમ છેલ્લા બે વર્ષમાં વિવિધ પર્યટન સ્થળો અને ઉત્સવોમાં અંદાજે ૩૫.૮૯ કરોડથી વધુ પ્રવાસીઓ સહભાગી થયા છે. ગુજરાતમાં છેલ્લા ૨ વર્ષમાં મુખ્યત્વે સૌથી વધુ વાઈબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં ૨૩.૧૨ લાખ પર્યટકો નોંધાયા છે.
જ્યારે કચ્છમાં યોજાતા ધોરડો રણોત્સવમાં વર્ષ ૨૦૨૩-૨૪માં ૭.૪૨ લાખ અને વર્ષ ૨૦૨૪-૨૫માં અત્યાર સુધીમાં ૭.૫૨ લાખ એમ કુલ મળીને ૧૪.૯૪ લાખ પર્યટકો નોંધાયા છે.
જ્યારે છેલ્લા ૨ વર્ષમાં આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં ૯.૨૯ લાખ, સાપુતારા મેઘ મલ્હાર ફેસ્ટિવલમાં ૫ લાખ અને તરણેતર મેળામાં ૪ લાખથી વધુ પ્રવાસીઓ-નાગરિકોએ મુલાકાત લીધી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળુભાઈ બેરાના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર ગુજરાતમાં પ્રવાસન સ્થળોના સર્વાંગી વિકાસની સાથે ઉત્સવોને વિશેષ પ્રાધાન્ય આપી રહી છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૫માં ફક્ત ૩ દિવસના આયોજન સાથે કચ્છના રણમાં ધોરડો ખાતે ‘રણોત્સવ’ની શરૂઆત કરાવી હતી. જે આજે ગ્લોબલ ઇવેન્ટ બની ગઈ છે.
કચ્છનું રણ ‘રણોત્સવ’થી વિશ્વ પ્રવાસનનું તોરણ બન્યું છે. યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોને બેસ્ટ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે. આ વર્ષે આયોજિત પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજ્યોમાંથી ૪૭ પતંગબાજોએ ભાગ લીધો હતો.
જ્યારે ગુજરાતના ૧૧ શહેરોમાંથી ૪૧૭ પતંગબાજો એમ કુલ ૬૦૭ પતંગબાજોએ ભાગ લીધો હતો.રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા દર વર્ષે અમદાવાદમાં વાઈબ્રન્ટ ગુજરાત નવરાત્રિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. વિશ્વના સૌથી લાંબા નૃત્ય મહોત્સવ તરીકે ઓળખાતા વાઇબ્રન્ટ ગુજરાત નવરાત્રિ ઉત્સવ ૧૦ દિવસનો ઉત્સવ છે.
છેલ્લા ૨ વર્ષમાં ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં અંદાજે ૨૩.૧૨ લાખથી વધુ ખેલૈયાઓ સહભાગી થયા હતા. છોટા ઉદેપુરના હાફેશ્વર ગામને કેન્દ્રના પર્યટન મંત્રાલય દ્વારા હેરીટેજ કેટેગરીમાં ‘શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન-૨૦૨૪’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એક અંદાજ મુજબ વાર્ષિક એક લાખથી વધુ પ્રવાસીઓ હાફેશ્વરની મુલાકાતે આવે છે.SS1MS