૨૦૨૦માં જમ્મુ અને કાશ્મીરમાં ૨૪૪ આતંકવાદી ઘટનાઓ બની

પ્રતિકાત્મક
નવીદિલ્હી, સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. આ દરમિયાન વિપક્ષ સરકારને ઘેરવાનો પૂરો પ્રયાસ કરી રહ્યો છે. ડીએમકે નેતા ગણેશમૂર્તિના પ્રશ્નોના જવાબમાં કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે દેશમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ વધી રહી નથી. તેમને પૂછવામાં આવ્યું કે શું દેશમાં આતંકવાદી હુમલાની ઘટનાઓ વધી રહી છે.
રાયે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે. ૨૦૧૮માં ૪૧૭ અને ૨૦૨૧માં ૨૨૯ આતંકી હુમલા થયા છે. તેમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે આતંકવાદ સામે લડવું એ સતત પ્રક્રિયા છે.
સરકારે કાયદાકીય માળખાને મજબૂત કરવા, ગુપ્ત માહિતીને સુવ્યવસ્થિત કરવા, આતંકવાદ સંબંધિત કેસોની તપાસ અને કાર્યવાહી માટે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની સ્થાપના સહિત વિવિધ પગલાં લીધાં છે. નિત્યાનંદ રાયે કહ્યું કે નેશનલ સિક્યુરિટી ગાર્ડ , સીમા અને દરિયાકાંઠાની સુરક્ષા, પોલીસ દળોનું આધુનિકીકરણ અને રાજ્ય પોલીસ દળોને મજબૂત કરવામાં આવી રહ્યા છે. મંત્રીએ વધુમાં કહ્યું કે દેશમાં આતંકવાદ સંબંધિત હિંસા પર ઘણી હદ સુધી નિયંત્રણ કરવામાં આવ્યું છે.
મંત્રીએ ડેટા પણ શેર કર્યો જે દર્શાવે છે કે ૨૦૨૦માં જમ્મુ અને કાશ્મીરમાં ૨૪૪ આતંકવાદી ઘટનાઓ બની હતી, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશમાં ૨૦૨૧માં આ સંખ્યા ઘટીને ૨૨૯ થઈ ગઈ હતી. મળતી માહિતી અનુસાર ૨૦૨૦માં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓમાં ૬૨ સુરક્ષા જવાનો અને ૩૭ નાગરિકોના મોત થયા હતા, જ્યારે આ હુમલાઓમાં સુરક્ષા દળના ૧૦૬ જવાન અને ૧૧૨ નાગરિકો ઘાયલ થયા હતા.HS1MS