૨૦૨૧માં બે બાળકને લઈને નાસી ગયેલો શખ્સ ઝડપાયો
અમદાવાદ, પતિ-પત્ની વચ્ચે ડિવોર્સ કેસ ચાલે અને કસ્ટડીને લઈને બબાલ થાય તો તેમાં પીસાવવાનો વારો બાળકોનો જ આવે છે. થોડા દિવસ પહેલા જ દેશભરમાં ચકચારી મચાવનારો સૂચના શેઠનો કેસ તો યાદ જ હશેને. ચાર વર્ષના દીકરાની કસ્ટડી પતિને ના મળે એ માટે બેંગાલુરુની એક સ્ટાર્ટઅપ કંપનીની સીઈઓ સૂચના શેઠે ગોવા લઈ જઈને દીકરાની હત્યા કરી નાખી હતી.
હવે પતિ-પત્નીના ઝઘડામાં ચાર વર્ષના માસૂમનો કોઈ વાંક નહોતો તોય તેને જીવ ગુમાવનાનો વારો આવ્યો. આવો જ એક કસ્ટડી કેસ અમદાવાદમાં સામે આવ્યો છે. ફેમિલી કોર્ટે બાળકોની કસ્ટડી પત્નીને સોંપવાની વાત કરતાં નરોડામાં રહેતો ૪૨ વર્ષીય પતિ બંને બાળકોને લઈને નાસી ગયો હતો. ૨૦૨૧માં સંતાનો સાથે ભાગી ગયેલો શખ્સ આખરે ગુરુવારે સુરતથી ઝડપાયો છે.
અગાઉ પોલીસને શંકા હતી કે ભાવિન કાછડ નામનો આ વ્યક્તિ પોતાના બંને સતાનોને લઈને ગેરકાયદેસર રીતે વિદેશ નાસી ગયો હશે પરંતુ બાદમાં ખબર પડી કે, તે સુરતના કામરેજ વિસ્તારમાં રહે છે. પોલીસે આ શખ્સને પકડીને તેને ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
બે વર્ષથી બાળકો સાથે ફરાર થયેલા ભાવિન કાછડ સુધી પોલીસ કેવી રીતે પહોંચી તેની વિગતો આપતાં ક્રાઈમ બ્રાંચના ઓફિસરોએ કહ્યું, ભાવિન કામરેજમાં હોવાની બાતમી ઈન્સ્પેક્ટર જે.એચ. સિંધવને મળી હતી. કામરેજ મોટો વિસ્તાર હોવાથી પોલીસની ટીમ ૧૫ દિવસ સુધી ત્યાં રોકાઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસકર્મીઓએ સરકારી સરવે ઓફિસર, શાકભાજીવાળા અને ફુગ્ગાવાળાનો વેશ ધરીને તપાસ કરી હતી.
આખરે તેમને ભાવિનનું સરનામું મળ્યું અને તેને ઝડપી પાડ્યો. કેસની વિગતવાર વાત કરીએ તો, જૂન ૨૦૨૧માં ફેમિલી કોર્ટે ભાવિનને આદેશ કર્યો હતો કે, તેની દીકરી અને દીકરાને કસ્ટડી એક અઠવાડિયાની અંદર તેની પત્નીને પાછી આપી દેવી. જાેકે, બાળકોને પત્નીને સોંપવાના બદલે ભાવિન તે બંનેને લઈને નાસી ગયો. જેથી તેની પત્નીએ હિબિયસ કોર્પસ પિટિશન દાખલ કરી હતી.
હાઈકોર્ટે કૃષ્ણનગર પોલીસને આદેશ કર્યો કે, તેઓ બાળકોને શોધી લાવીને કોર્ટમાં રજૂ કરે. સીઆઈડી (ક્રાઈમ)ને પણ બાળકોને શોધવાના કામમાં જાેડવામાં આવી પરંતુ ભાવિન અને બાળકોનો કોઈ પત્તો જ નહોતો લાગતો.
પોલીસે અગાઉ કહ્યું હતું કે, ભાવિન તેના બનેવીના સંપર્કમાં હતો અને વિદેશ ભાગી ગયો છે. તેનું મોબાઈલ નેટવર્ક યુકેના સર્વિસ પ્રોવાઈડરનું હતું. પોલીસે ભાવિનનું પગેરું મેળવવા યુકે સ્થિત વર્જિન મીડિયા નેટવર્કને નોટિસ ફટકારી હતી. હાઈકોર્ટે વર્જિન મીડિયા નેટવર્ક મેનેજમેન્ટ સેન્ટરને આદેશ કર્યો હતો કે, તેઓ ભાવિન અંગેની બધી જ જરૂરી માહિતી પોલીસને આપે.
આ કેસમાં ભાવિનના માતાપિતા અને બહેન-બનેવીની પણ પૂછપરછ કરવામાં આવી હતી. જાેકે, તેમણે તપાસમાંથી છટકવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમના કેટલાક સાયન્ટિફિક ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. બીજી તરફ ભાવિન અને તેના પરિવાર સામે બાળકોનું અપહરણ કરવાની અને તેમનું ઠેકાણું ના જણાવીને ગુનાહિત ષડયંત્ર રચ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. કોર્ટે પરિવારના આગોતરા જામીન મંજૂર કર્યા હતા પરંતુ નિર્દેશ પ્રમાણે પૂછપરછમાં સહકાર આપવાની સૂચના આપી હતી. SS2SS