6 વર્ષે ડબલની લાલચમાં રોકાણકારના રૂ.૪.પ૦ લાખ ડૂબી ગયા
પલ્પ કંપનીની જગ્યાએ અન્ય કંપનીમાં રોકાણ કરાવ્યું હતું
મહેસાણા, વિસનગરની વિવેકનગર સોસાયટીમાં નવ વર્ષ અગાઉ પડોશમાં રહેતા શખ્સે ૬ વર્ષે ડબલની લાલચ આપી પલ્પ કંપનીની જગ્યાએ અન્ય કંપનીમાં રૂ.૪.પ૦ લાખનું રોકાણ કરાવી પાકતી મુદતે નાણાં ડૂબાડી છેતરપિંડી આચરી હતી. આ અંગે છેતરપિંડીનો ભોગ બનનારે ૯ વર્ષ બાદ વિસનગર ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં આવેલી વિવેકનગર સોસાયટીમાં રહેતા અને હોમગાર્ડમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિનોદકુમાર અંબારામભાઈ પરમારે ૧૦ વર્ષ અગાઉ વતન કુવાસણામાં આવેલું પાકુ મકાન વેચતા તે પેટેના નાણાં પડયા હતા તે સમયે તેમની જ સોસાયટીમાં રહેતા અને મૂળ વડગામના કોદરામના વતની દિનેશ હીરાભાઈ મકવાણા અને તેમની પત્ની નિરૂબેન તેમના ઘેર આવ્યા હતા.
દરમિયાન દિનેશ મકવાણા પોતે પલ્પ કંપનીમાં મોટા સાહેબ હોવાની ઓળખ આપી તેમના નાણાં પલ્પ કંપનીમાં રોકાણ કરશો તો છ વર્ષે ડબલ થવાની લાલચ આપી વિશ્વાસ કેળવી તેમની પાસેથી પરિવારજનોની હાજરીમાં રૂ.૪.પ૦ લાખ આપ્યા હતા. ઉપરોકત રોકાણ પેટે દિનેશ મકવાણાએ સર્ટિફિકેટ લઈને આપ્યા હતા. જે સર્ટિ. વિનોદભાઈ પરમારે વિશ્વાસમાં જાેયા વિના ઘરમાં ઠેકાણે મૂકી દીધા હતા.
પાકતી મુદતે વિનોદકુમારે નાણાંની ઉઘરાણી કરતા દિનેશ મકવાણાએ જણાવ્યું હતું કે, નાણાંનું જે કંપનીમાં રોકાણ કર્યું હતું તે નેકસજેન કિશાન પ્રોડ્યુસર કંપની લી. બંધ થઈ ગઈ છે અને કોર્ટમાં ચાલુ હોઈ અને અમારી તરફે નિર્ણય આવશે ત્યારે નાણાં પરત આપી દઈશું.
ત્યારબાદ વિનોદકુમારે સર્ટી જાેતાં પલ્સ કંપની નહી પરંતુ તેણે ઉભી કરેલી ઉપરોકત કંપનીના રોકાણ સર્ટી હોવાનું જણાઈ આવ્યું હતું. ત્યારબાદ દિનેશ મકવાણા પોતાનું મકાન વેચી જતા રહ્યા હતા અને સંપર્ક વિહોણા બની ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
છેવટે નવ વર્ષ અગાઉ છેતરપીંડીનો ભોગ બનેલ વિનોદકુમાર પરમારે વિસનગર ટાઉન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતા પોલીસે વિશ્વાસમાં લઈ છેતરપીંડી કરનાર દિનેશ મકવાણા સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.