લોકશાહીમાં વહીવટની જવાબદારી કાર્યપાલિકાની, કોર્ટની નહીંઃ ધનખડ

નવી દિલ્હી, લોકશાહીમાં સરકાર સર્વાેપરી છે અને તેમાં વહીવટ માત્ર કાર્યપાલિકા દ્વારા જ થવો જોઈએ નહીં કે અદાલતો દ્વારા, કારણ કે કાર્યપાલિકા સંસદ અને તેમને ચૂંટનાર પ્રજા પ્રત્યે જવાબદાર હોય છે તેમ રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખડે જણાવ્યું હતું.
રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન ડીએમકેના સભ્ય કનિમોઝી એનવીએન સોમુ દ્વારા નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ના વિકેન્દ્રીકરણની કરાયેલા માગના સંદર્ભમાં તેમણે આ ટિપ્પણી કરી હતી.
સોમુએ સવાલ કર્યાે હતો કે, શા માટે સરકાર પરીક્ષાઓને તેની સંસ્થાઓમાં પ્રવેશ પૂરતી મર્યાદિત રાખી જ્યાં રાજ્યો દ્વારા બોર્ડ પરીક્ષાના માર્ક્સના આધારે પ્રવેશ અપાય છે ત્યાં તેનું વિકેન્દ્રીકરણ નથી કરતી. જેના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કેન્દ્રીય પરીક્ષા પદ્ધતિનો બચાવ કરતાં જણાવ્યું હતું કે, આ પદ્ધતિ અગાઉની યુપીએ સરકાર દ્વારા શરૂ કરાઈ હતી.
એટલું જ નહીં પરંતુ સુપ્રીમ કોર્ટે પણ આ મામલે નિર્દેશો આપ્યાં છે અને મેડિકલ પ્રવેશ પરીક્ષા સેન્ટ્રલાઈઝ્ડ છે. તેમણે કનિમોઝીને સવાલ કર્યાે હતો કે, શા માટે તમે નીટ પરીક્ષાનું વિકેન્દ્રીકરણ કરી રાજ્યોને સત્તા આપવા માગો છો.
યુપીએ સરકારે જ્યારે આ પદ્ધતિ શરૂ કરી ત્યારે તમે પણ તે સરકારનો ભાગ હતાં. આ તબક્કે ચેરમેન ધનખડે સવાલ કર્યાે હતો કે શું સરકાર તેની કાર્યકારી સત્તાઓ અદાલત સાથે વહેંચી શકે? તેમણે જણાવ્યું હતું કે, લોકશાહીમાં વહીવટ માત્ર કાર્યપાલિકા દ્વારા જ કરી શકાય. કારણકે કાર્યપાલિકા સંસદ અને તેમને ચૂંટનાર પ્રજા પ્રત્યે જવાબદાર હોય છે.SS1MS