Western Times News

Gujarati News

રોમાંચક મેચમાં પંજાબે રાજસ્થાન રોયલ્સને પાંચ રને પરાજય આપ્યો

નવી દિલ્હી, કેપ્ટન શિખર ધવન અને પ્રભસિમરનની આક્રમક અડધી સદી બાદ બોલર્સે કરેલા શાનદાર દેખાવની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની ૧૬મી સિઝનમાં બુધવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે પાંચ રને રોમાંચક વિજય નોંધાવ્યો હતો.

રાજસ્થાને ટોસ જીતીને પંજાબને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પંજાબે શિખર ધવન અને પ્રભસિમરનની ઓપનિંગ જાેડીની તોફાની બેટિંગની મદદથી નિર્ધારીત ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૯૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં રાજસ્થાનની ટીમ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૯૨ રન નોંધાવી શકી હતી. પંજાબ માટે નાથન એલિસે સૌથી વધુ ચાર વિકેટ ઝડપી હતી.

શિમરોન હેતમાયર અને ધ્રુવ જુરેલે અંતિમ ઓવર્સમાં તોફાની બેટિંગ કરીને રાજસ્થાન માટે જીતની આશા જગાવી હતી પરંતુ તેમની આક્રમક લડત એળે ગઈ હતી. અંતિમ ઓવરમાં રાજસ્થાનને જીત માટે ૧૬ રનની જરૂર હતી. પરંતુ સેમ કરને ચતુરાઈપૂર્વક બોલિંગ કરીને પંજાબને વિજય અપાવ્યો હતો. રાજસ્થાનની ટીમ ૧૦ રન જ નોંધાવી શકી હતી.

૧૯૮ રનના સ્કોરને પાર પાડવા મેદાનમાં ઉતરેલી રાજસ્થાન રોયલ્સ માટે યશસ્વી જયસ્વાલ અને રવિચંદ્રન અશ્વિનની જાેડી ઓપનિંગમાં આવી હતી.

પરંતુ તેઓ ટીમને અપેક્ષા પ્રમાણે શરૂઆત અપાવી શક્યા ન હતા. અશ્વિન ખાતું પણ ખોલાવી શક્યો ન હતો જ્યારે યશસ્વી જયસ્વાલ ૧૧ રન નોંધાવીને આઉટ થયો હતો. જાેસ બટલર પણ ૧૯ રન જ નોંધાવી શક્યો હતો.

આમ ૫૭ રનના સ્કોર પર રાજસ્થાન રોયલ્સની ટીમે તેના ટોચના ત્રણ બેટર ગુમાવી દીધા હતા. કેપ્ટન સંજૂ સેમસને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો. તેણે એક છેડો જાળવી રાખ્યો હતો પરંતુ નાથન એલિસે તેની લડતનો અંત આણ્યો હતો. સંજૂ સેમસન ૨૫ બોલમાં પાંચ ચોગ્ગા અને એક સિક્સરની મદદથી ૪૨ રન નોંધાવીને આઉટ થયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.