Western Times News

Gujarati News

અમદાવાદમાં ૮૫ વર્ષથી વધુ વય જૂથના ૮૦૩ મતદારોના ઘરે જઈ તંત્ર કરાવી રહ્યું છે મતદાન

‘‘વોટ તો આપવો જ જોઈએ…ભલે ગમે તે થાય…’’–જશવંતીબેન

“”અરુણાબા- જશવંતીબા-હસુમતીબા…સબ કી પસંદ મતદાન…”

યુવાનોને પણ પ્રેરે  તેવો વયોવૃદ્ધ મતદારોનો જુસ્સો…તંત્ર મતદાન કરાવવા ઘરે આવે છે તે ખૂબ આવકાર્ય છે…- વયોવૃદ્ધ મતદારો

“વોટ તો આપવો જ જોઈએ…ભલે ગમે તે થાય…”  ઉંમરની સદીના આરે આવેલા  જશવંતીબેન નાયક પથારીવશ નથી અને ઘરમાં જરૂર પૂરતી હલનચલન કરી શકે છે…જો કે એમનો જુસ્સો હજી પણ અકબંધ રહ્યો છે. ૮૮ વર્ષ વટાવીને અનેક ચૂટણીઓ તેમણે જોઈ છે એટલું જ નહી પરંતુ મતદાન પણ કર્યું છે…” આંબાવાડીમાં રહેતા જશવંતીબેનના અવાજમાં ઉંમરના કારણે થોડીક ધ્રુજારી જરૂર છે પરંતુ મતદાન કરવાની અને કરાવવાની મક્કમતા કાબિલેદાદ છે.

તેમના અવાજમાં મતદાનની મહત્તાનો રણકો છે.. જૈફ વયે આજે પણ નવયુવાનોને પણ પ્રેરણા આપે તેવી રીતે દૃઢતાપૂર્વક કહે છે કે મત તો આપવો જ જોઈએ…

લોકસભાની ચુંટણી મે માસમાં યોજાવાની છે. મહત્ત્મ મતદાન થાય તે માટે જાગૃતિ કેળવવા અમદાવાદ જિલ્લા કલેક્ટર અને ચુંટણી અધિકારીશ્રી ડો. પ્રવીણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા  સુગ્રથિત પ્રવૃત્તિ કરાય છે, અનેક શિબિરો યોજીને આ માટે પ્રયાસો પણ કરાયા છે. નાગરિકો તથા પ્રથમ વખત મતદાન કરવાના છે તેવા યુવાનો મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે દિશામાં અનેક પ્રયાસો કરાયા છે. તેવા સમયે ૮૫ વર્ષથી વધુ વયના અને દિવ્યાંગ મતદારોના ઘરે જઈને મતદાન કરાવવાનો પ્રયોગ અનુકરણીય છે.  તંત્ર દ્વારા ઘરે જઈને મતદાન કરાવવાના અભિગમને આ વયોવૃધ્ધ મતદારોએ આવકાર્યો છે.

આમ તો જશવંતીબેન મૂળ અમદાવાદના છે. અમદાવાદમાં સ્થાયી થયેલા જશવંતીબેનનો પરિવાર વિદેશ વસે છે. પરિવાર સાધન સંપન્ન છે સાથે સાથે સામાજિક રીતે પણ જાગૃત છે. વયોવૃધ્ધ જશવંતીબેન કહે છે કે, “આજે લોકો આળસમાં મતદાન કરવા જતા નથી પરંતુ મતદાન કરવા જઈએ તો યોગ્ય માણસ ચુંટાય..” “ એમ તેઓ ઉમેરે છે.

આજ રીતે અમદાવાદ ખાતે રહેતા વયોવૃધ્ધ મતદાર અરુણાબેન સૂતરીયા પણ કહે છે કે “ મેં તો બધી ચુંટણીઓમાં મતદાન કર્યું છે… મને સમજાતું નથી કે આજના લોકો મતદાન કરવા કેમ નથી જતા…?” આવો પ્રશ્નાર્થ તેમના ચહેરા પર એક પ્રકારની ચિંતાને દર્શાવે છે.

અમદાવાદના  હસુમતીબેન આશરે ૯૧ વર્ષના છે અને અત્યાર સુધીની લગભગ બધી  ચુંટણીમાં તેમણે પણ મતદાન કર્યું છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બેઠકમાં સમાવિષ્ટ વિધાનસભા વિસ્તાર વાર  જોઈએ તો વટવામાં ૧૭, એલિસબ્રીજમાં ૩૩૨, નિકોલમાં ૦૯, નરોડામાં ૨૪,  ઠક્કરબાપાનગરમાં ૦૯, બાપુનગરમાં ૨૩, અમરાઈવાડીમાં ૨૧,  તથા દરિયાપુરમાં ૨૪, ખાડીયા-જમાલપુરમાં ૩૭,

મણીનગરમાં ૨૨૦, દાણીલીમડામાં ૨૭, અસારવામાં ૬૦ એમ કુલ મળી ૮૦૩ મતદારોએ જિલ્લા ચુટણી તંત્ર સમક્ષ નોંધણી કરાવી છે. જિલ્લા ચુટણી તંત્ર આ વયોવૃધ્ધ મતદારોના ઘરે જઈને મતદાન કરાવશે. ૮૫થી વધુ વયના મતદારો પૈકી સૌથી વધુ એલિસબ્રીજમાં ૩૩૨ તથા સૌથી ઓછા નિકોલ તથા ઠક્કરબાપાનગરમાં ૯-૯ મતદારોએ તંત્ર સમક્ષ નોંધણી કરાવી છે.

એટલે તો કહેવાય છે કે,“ અરુણાબા- જશવંતીબા-હસુમતીબા…સબ કી પસંદ મતદાન…” ખાસ લેખ- હિમાંશુ ઉપાધ્યાય


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.