અમરાઈવાડીમાં યુવક પર છરી વડે હુમલો કરીને એક્ટિવા, મોબાઈલ તેમજ રોકડ રકમ લૂંટી લીધી
અમદાવાદના પૂર્વ વિસ્તારમાં લૂંટારૂઓનો “આતંક”
અમરાઈવાડી અને નરોડામાં યુવકોને ટાર્ગેટ કરાયાઃ મિત્ર સાથે ઊભેલા યુવકને બે શખ્સો છરી હુલાવી રોકડ, એક્ટિવા, મોબાઈલ લૂંટી લીધાઃ નરોડામાં પણ યુવકને છરી મારી લૂંટ્યો
અમદાવાદ શહેરમાં પોલીસે પૂરઝડપે વાહન હંકારતા લોકોને રોકવા માટે જડબેસલાક બંદોબસ્ત અને ચેકિંગ શરૂ કરી દીધું છે ત્યારે લૂંટારૂઓ બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે. અમરાઈવાડીમાં એક યુવક પર છરી વડે હુમલો કરીને એક્ટિવા, મોબાઈલ તેમજ રોકડ રકમ લૂંટી લીધી હોવાની ચોંકાવનારી ઘટના સાથે આવી છે, જ્યારે નરોડામાં પણ છરી વડે હુમલો કરી યુવકને લૂંટી લેવાની ઘટના બની છે.
ઓઢવ વિસ્તારમાં આવેલી વિજયશક્તિ સોસાયટીમાં રહેતા અને લો-ગાર્ડન ખાતે આવેલા પેન્ટાલૂનના શો-રૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા રોહન ગહેલોતે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ લૂંટની ફરિયાદ કરી છે. રોહન છેલ્લા ૧પ દિવસથી નોકરી પર લાગ્યો છે ત્યારે તેના પિતાનું મૃત્યુ થયું હોવાથી તેના પરિવારની જવાબદારી તેના શિરે છે.
રોહનની નોકરીનો સમય બપોરના સાડા બાર વાગ્યાથી રાતના સાડા નવ વાગ્યા સુધીનો છે. રોહનને નોકરીમાં એક અઠવાડિયાની રજા હોવાથી તે બે દિવસ પહેલાં સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ અમરાઈવાડી વિસ્તારમાં આવેલા શિવાનંદનગરમાં રહેતા તેના કાકીના ઘરે ગયો હતો. રોહન પાસે વાહન નહીં હોવાના કારણે તેણે પોતાના મિત્ર સૂરજને એક્ટિવા લઈને બોલાવ્યો હતો.
સૂરજ કાકીના ઘરે રોહનને માટે આવી ગયો હતો અને તેને ઘરે મૂકવા માટે જતો હો. રાતના સાડા અગિયાર વાગ્યાની આસપાસ રોહન ખુલ્લી જગ્યામાં ઊભો રહ્યો હતો ત્યારે બે શખ્સો એક્ટિવા લઈને આવ્યા હતા. બંને શખ્સો ગાળો બોલી રોહનને કહેવા લાગ્યા હતા કે તારી પાસે જે કાંઈ પણ હોય તે આપી દે.
બે શખ્સો પૈકી એક શખ્સે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને રોહન પર હુલાવી દીધી હતી. રોહનના હાથમાં પણ છરી મારતાં તેણે પોતાની પાસે રહેલું પાકીટ આપી દીધું હતું રોહનના પાકીટમાં પ૦૦ રૂપિયા રોકડા, આધારકાર્ડ, પાનકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ હતા.
આ સિવાય બંને શખ્સો સૂરજનો મોબાઈલ તેમજ એક્ટિવા પણ લૂંટીને નાસી ગયા હતા. બંને શખ્સો સૂરજ અને રોહનને ધક્કો મારીને નાસી ગયા હતા. રોહનને હાથમાં ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ અમરાઈવાડી પોલીસને થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બે શખ્સો વિરૂદ્ધ લૂંટ તેમજ હુમલાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.
આ ઉપરાંત શહેરના નરોડા વિસ્તારમાં ખારીકટ કેનાલ પાસે આવેલા પાર્લર પર સમી સાંજે બે અજાણ્યા બાઈક પર આવેલા યુવકો કાઉન્ટર પર બેઠેલા સગીર પર છરીથી હુમલો કરી વકરાના રૂા.૧પ હજારની રકમ લૂંટી ફરાર થઈ ગયા હતા. નરોડાની અશ્વમેઘ સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ જાની ખારીકટ કેનાલ પાસે અમૂલ પાર્લર ધરાવે અને તે દ્વારા પરિવારનું ગુજરાન ચલાવે છે.
બુધવારે સાંજના આશરે પાંચ વાગ્યાના સુમારે તેઓ પાર્લર પર હાજર હતા ત્યારે તેમનો નાનો દીકરો મિહિર (ઉં.વ.૧૭) ત્યાં આવ્યો હતો. તેઓ મિહિરને પાર્લર પર હાજર રહેવાનું કહીને ચા પીવા માટે ઘરે ગયા હતા. દરમિયાન લગભગ સવા પાંચ વાગ્યાના સુમારે એક બાઈક પર બે અજાણ્યા પુરૂષો પાર્લર પર આવ્યા હતા.
તે પૈકી એક પુરૂષે મોઢા પર રૂમાલ બાંધ્યો હતો. મિહિર કશું સમજે તે પહેલાં એક પુરૂષ છરો લઈ પાર્લરમાં ઘૂસી ગયો હતો અને મિહિરને કહ્યું હતું કે કાઉન્ટરમાં જે કાંઈ હોય તે મને આપી દે. અચાનક ઊભી થયેલી સ્થિતિમાં મિહિર ગભાઈ ગયો હતો, જેનો લાભ લઈ એક પુરૂષે કાઉન્ટરમાંથી વકરાની ૧પ હજારની રકમ એક થેલામાં ભરી લીધી હતી.
જેને રોકવા જતાં તેણે મિહિરને ગાળો બોલી છરો મારી દેતાં તેને ડાબા હાથની આંગળી પર ઈજા થલ હતી. ત્યારબાદ તું મારી વચ્ચે આવીશ તો હું તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને બાઈક લઈ નાસી છૂટ્યો હતો. આ અંગે કલ્પેશભાઈ જાનીએ નરોડા પોલીસ સ્ટેશનમાં બે અજાણ્યા ઈસમો વિરૂદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે.