Western Times News

Gujarati News

જૂની અદાવતમાં બંદૂક કાઢી યુવકને માથામાં મારી -ત્યારબાદ ઝઘડો ઉગ્ર બન્યો

પ્રતિકાત્મક

ડીસાના માલગઢ ગામે જૂની અદાવતે ધીંગાણું: 7 લોકોને ઈજા-બંને પક્ષે સામ-સામે ફરિયાદો નોંધાઈ

ડીસા, ડીસા તાલુકાના માલગઢ ગામે મોડી રાત્રે ભીલડી હાઈવે પર એક જ સમાજના બે જૂથો સામસામે આવી જતાં કુલ સાત લોકોને ઈજા થવા પામી હતી. ઈજાગ્રસ્તોને ડીસા અને પાલનપુર સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે ડીસા તાલુકા પોલીસે બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધી છે.

આ અંગેની વિગત એવી છે કે ડીસાના માલગઢ ગામે ભીલડી હાઈવે પર રહેતા જગદીશ દેવચંદજી કચ્છવા ગત મોડી રાત્રે હાઈવે પર એક પાર્લર પર પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં મિત્રો સાથે બેઠા હતા ત્યારે ગામનો જ હસમુખ ખેતાજી પરમાર માળી પણ તેના મિત્રો સાથે ક્રેટા ગાડીમાં આવી જગદીશની કારને ટકકર મારી જૂની અદાવત બાબતે મારામારી કરી હતી.

જોકે બાદમાં હસમુખ અને તેના મિત્રો સોમનાથ હોટલ પર જતા જગદીશ તથા તેમના ભાઈ ફુલચંદભાઈ, સુરેશભાઈ તેમજ મિત્રો સમજાવટ માટે સોમનાથ હોટલ પર પહોંચતા ત્યાં હસમુખ ખેતાજી, ખેતાજી તેજાજી, શાંતિલાલ ખેતાજી, અશ્વિન ખેતાજી, અનિલ ખેતાજી પરમાર, અર્જુન ગંગારામ સોલંકી, ભરત લાલજીભાઈ પઢીયાર, તથા અન્ય ૧૦થી ૧પ માણસોનું ટોળું બેઠેલું હતું

જેમાં હસમુખે પોતાની પાસેની બંદૂક કાઢી ઉંધી બંદુક જગદીશને માથામાં મારી હતી ત્યારબાદ તેઓ વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં જગદીશ, ફુલચંદભાઈ તથા રાજેશભાઈને ઈજા થતાં ઈજાગ્રસ્તોને ડીસા સિવિલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે જગદીશ કછવા એ તમામ સામે ફરિયાદ નોંધાવી હતી.

જયારે સામા પક્ષે ખેતાજી તેજાજી માળીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ફુલચંદભાઈ દેવચંદજી કચ્છવા, સુરેશ દેવચંદજી, જગદીશ દેવચંદજી, દયારામ હેમાજી માળી, રમેશ ભીમાજી માળી, સાગર ફુલચંદભાઈ માળી, મયુર સુરેશભાઈ માળી, રાજુ ગોવિંદભાઈ માળી તેમજ ઉમાજી જાટ સહિતના ટોળાએ સોમનાથ હોટલ પર આવી નાણાંકીય લેવડ-દેવડની જૂની અદાવતનું મન દુઃખ રાખી એક સંપ થઈ હથિયારો સાથે હુમલો કરતા ખેતાજી તેમજ હસમુખભાઈને અને અન્ય વ્યક્તિઓને ઈજાઓ પહોંચાડી હતી.

મોડી રાત્રે ખેલાયેલા આ ધીંગાણામાં ચારથી વધુ ગાડીઓની તોડફોડ કરવામાં આવી હતી. આ બાબતે ડીસા તાલુકા પોલીસ પણ મોડી રાત્રે ઘટના સ્થળે આવી બંદોબસ્ત ગોઠવ્યો હતો અને બંને પક્ષોની સામ સામે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.