આંધ્રપ્રદેશમાં મહિલાને લાઇટ, પંખા, સ્વિચને બદલે પાર્સલમાં ડેડબોડી મળી
અમરાવતી, આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લામાં એક મહિલાને પાર્સલ મળ્યું હતું, જેમાં એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ હતો. મૃતદેહની સાથે એક પત્ર પણ હતો, જેમાં લખ્યું હતું કે, રૂપિયા ૧ કરોડ ૩૦ લાખ આપ, અન્યથા આવી હાલત થશે.
આ મહિલાએ પાર્સલમાં લાઇટ, પંખા અને સ્વિચ સહિતની ઇલેક્ટ્રોનિકની વસ્તુઓ હોવાનું માનીને પાર્સલ સ્વીકાર્યું હતું.આ પાર્સલ યેંદાગંડી ગામમાં રહેતી મહિલા નાગા તુલસીના નવા બની રહેલા ઘરમાં ગુરુવારે રાત્રે ઓટો રિક્ષા દ્વારા ડિલીવર કરાયું હતું. મહિલા ઘરમાં એકલી હતી.
આ મહિલાનો પતિ ૧૦ વર્ષથી લાપતા થઈ ગયો હતો. ડેડબોડીની સાથે મળેલી નોટમાં લખ્યું છે કે, તમારા પતિએ ૨૦૦૮માં ૩ લાખ રૂપિયાની લોન લીધી હતી. જે હવે વધી(વ્યાજ)ને ૧.૩૫ કરોડ રૂપિયા થઈ ગઈ છે. તારા પરિવાર સાથે ખરાબ થતું ન જોવા ઈચ્છતી હોય તો આખી રકમ ચૂકવવી પડશે. પોલીસે વધુમાં જણાવ્યું કે, મૃતદેહને જપ્ત કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.
પ્રાથમિક માહિતીમાં જાણકારી મળી છે કે મૃતદેહ ૪૫ વર્ષના પુરુષનો છે. તેનું મોત ૪-૫ દિવસ પહેલા થયું છે. આ હત્યાનો મામલો છે કે કુદરતી મોત છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના કહેવા પ્રમાણે, મહિલા પોતાનો પતિ લાપતા થયા પછી પોતાના પરિવારની સાથે રહેવા માંડી હતી.
કેટલાક દિવસો પહેલા જ તેણે એકલા રહેવાનું શરુ કર્યું હતું. મહિલાએ પોતાના પરિવારના ઘરથી એક કિલોમીટર દૂર એક અન્ય ઘરમાં રહેવાનો નિર્ણય લીધો હતો. મહિલા આ ઘરમાં કેટલુક બાંધકામ કરાવવા ઈચ્છી હતી. કેટલાક દિવસો પહેલા ક્ષત્રિય સેવા સમિતિ નામની એક સંસ્થા સાથે જોડાયેલી એક વ્યક્તિએ મહિલાને મદદ કરવાની ઓફર કરી હતી.
આ સંસ્થાએ કેટલાક દિવસો પહેલા મહિલાને બાંધકામ માટે ટાઇલ્સ અને દિવાલ રંગવા કલર મોકલ્યા હતા. મહિલાએ ફરી મદદ માંગી, તો સંસ્થાએ મહિલાને વોટ્સએપ કરીને કહ્યું હતું કે લાઇટ, પંખા અને સ્વિચ જેવી ચીજો મોકલીને મદદ કરીશું. ગુરુવારે રાત્રે પાર્સલ આવ્યું તો મહિલાને લાગ્યું કે એમાં લાઇટ પંખા જ હશે. ડિલીવરી બોયે પણ લાઇટ પંખાની જ વાત કરી હતી. એટલા માટે મહિલાએ પાર્સલ સ્વીકારી લીધું હતું.SS1MS