અંકલેશ્વરમાં પોણા બે કરોડના વિદેશી દારૂ ઉપર બુલડોઝર ફેરવી નાશ કરાયો
એક વર્ષ દરમ્યાન અંકલેશ્વર પંથકના પાંચ પોલીસ મથકોની હદમાં કરાયેલા પ્રોહિબિશન કેસના દારૂના જથ્થાનો નાશ કરાયો
ભરૂચ, અંકલેશ્વર પંથકના વિવિધ પોલીસ મથકોની હદ માંથી પોલીસ દ્વારા બુટલેગરોને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી ગુનાઓ નોંધવામાં આવ્યા હતા.જેમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન વિદેશી દારૂનો જથ્થો એકત્ર કરાયો હતો.જેની કાયદાકીય કાર્યવાહી સંપૂર્ણ કરી પોણા ૨ કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર પંથકના વિવિધ પોલીસ મથકો જેમાં અંકલેશ્વર એ ડિવિઝન,અંકલેશ્વર બી ડિવિઝન,અંકલેશ્વર રૂરલ,અંકલેશ્વર જીઆઈડીસી અને પાનોલી પોલીસ મથકો મળી પાંચ પોલીસ મથકોમાં છેલ્લા એક વર્ષ દરમ્યાન બુટલેગરોને વિદેશી દારૂના જથ્થાઓ સાથે ઝડપી પાડી કાર્યવાહી કરવામાં આવી હતી.જે બાદ વિદેશી દારૂનો જથ્થો એકત્ર કરવામાં આવ્યો હતો.જેની કોર્ટ માંથી પરવાનગી મળી આવતા આજરોજ કડકિયા કોલેજ નજીકની ખુલ્લી જગ્યામાં વર્ષ દરમ્યાન પાંચેય પોલીસ મથકોમાં ઝડપાયેલ દારૂનો નાશ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અંકલેશ્વર એ ડિવિઝન પોલીસમાં ૩૪ હજાર થી વધુ બોટલો મળી કિંમત રૂપિયા ૬૫ લાખ ઉપરાંતનો દારૂ,અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ૪૪ હજારથી વધુ બોટલો મળી કિંમત રૂપિયા ૫૭ લાખ ઉપરાંતનો દારૂ,અંકલેશ્વર જીઆઈડીસી પોલીસમાં ૨૨ હજારથી વધુ બોટલો મળી કિંમત રૂપિયા ૩૦ લાખ ઉપરાંતનો દારૂ,અંકલેશ્વર બી ડિવિઝન પોલીસમાં ૫ હજારથી વધુ બોટલો મળી કિંમત રૂપિયા ૨૨ લાખ ઉપરાંતનો દારૂ તેમજ પાનોલી પોલીસ મથકમાં ૧૧૦૦ થી વધુ બોટલો મળી કિંમત રૂપિયા ૧ લાખ ઉપરાંતનો મુદ્દામાલ મળી કુલ ૧ લાખ ૧૮ હજાર ઉપરાંતની વિદેશી દારૂની બોટલો મળી રૂપિયા ૧ કરોડ ૭૮ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા ઉપર અંકલેશ્વર એસડીએમ નતીશા માથુર, ડીવાયએસપી ચિરાગ દેસાઈ, મામલતદાર કરણસિંહ રણા સહિત ઉચ્ચકક્ષાના અધિકારીઓ તેમજ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ સહિત પોલીસકર્મીઓની હાજરીમાં બુલડોઝર ફેરવી વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.