અંકલેશ્વરમાં પોલીસે કિશોરના માતા-પિતાને શોધી મિલાપ કરાવ્યો
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) અંકલેશ્વરની સોનમ સોસાયટી ખાતેથી ૮ વર્ષીય બાળક ફરતા-ફરતાં વાલિયા ચોકડી પહોંચી ગયો હતો.
બાળકના વર્તનને લઈ સ્થાનિકોને શંકા જતા બાળકને પોલીસને સુપ્રત કર્યો હતો.પોલીસ દ્વારા બાળકને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરી ગણતરીના સમયમાં જ પરિવારને શોધી પરિવારને સુપ્રત કરવામાં આવતા હર્ષની લાગણી પ્રસરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર – રાજપીપળા રોડ પર આવેલી મીરાનગર પાસેની સોનમ સોસાયટીમાં રહેતા અમોલસિંગ રામલાલ ગૌડ અને તેમની પત્ની બેબીબાઈ ગૌડનો ૮ વર્ષીય પુત્ર આરૂન રમતા રમતા ગુમ થઈ ગયો હતો.જે બાળક હાઈવે પરથી દૂર વાલિયા ચોકડી ઉપર પહોંચી ગયું હતું.
આ બાળક એકલો નજરે પડતા સ્થાનિકોએ ટ્રાફિક પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા બાળકોને અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે લઈ આવ્યા હતા અને પોલીસે બાળકને શાંતિપૂર્વક પુછતાછ કરીને તેના પરિવારજનોની વિગત મેળવી હતી.જે વિગતો બાદ પોલીસની ટીમે ગણતરીના સમયમાં સોનમ સોસાયટી ખાતે રહેતા પરિવારના મોભીને શોધી કાઢ્યો હતો
અને પોતાના પુત્રની ભાળ પોલીસ મથકેથી મળતા અમોલસિંગ રામલાલ ગૌડ અને તેની પત્ની બેબી બાઈ ગૌડ પોલીસ મથકે દોડી આવ્યા હતા.જ્યાં પોતાના પુત્રને જાેતા જ હર્ષના આંસુ છલકાઈ ઉઠ્યા હતા.પોલીસે જરૂરી નોંધ કરી બાળકને પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.