અરબ સંસ્કૃતિમાં ઊંટને ધીરજ ને સહનશીલતાનું પ્રતીક મનાય છે

ઊંટ દેખાવમાં જેટલું અનોખું હોય છે એટલી જ એની પ્રવૃતિ પણ અનોખી હોય છે. એને રણપ્રદેશનું જહાજ કહેવામાં આવે છે. કારણ કે એનો ઉપયોગ રણપ્રદેશમાં વસ્તુઓની આપ લે માટે કરવામાં આવે છે. ઊંટના પગની ડિઝાઈન વિશેષ પ્રકારની હોય છે. તેને કારણે તે રેતીની ઉપર સરળતાથી ચાલી શકે છે. તેમના પગમાં બે પંજા હોય છે જે જમીન પર મૂકતા ફેલાય છે અને રેતમાં ખૂંપી જતા નથી. તેથી રણપ્રદેશમાં ઊંટ સરળતાથી ચાલી શકે છે. ઊંટ પથરાળ રસ્તા ઉપર ચાલવાનું ટાળે છે, કારણ કે એનાથી તેના પગને નુકસાન થાય છે ઊંટ પાણી અને ભોજન વગર લાંબા સમય સુધી રહી શકતું હોવાથી પ્રાચીન સમયમાં તેનો ઉપયોગ યુદ્ધ દરમિયાન કરવામાં આવતો હતો.
ઊંટ સાત ફિટ લાંબુ અને ૬૦૦થી ૭૦૦ કિલો વજનનું હોય છે. ઊંટ લાંબા સમય સુધી પાણી પીધા વગર રહી શકે છે, પરંતુ જયારે તે પાણી પીએ છે ત્યારે એક સાથે ૧પ૦ લિટર પાણી પી શકે છે, એવું કહેવાય છે કે ઊંટ જે પાણી પીએ છે એ તેની ખૂંધમાં એકઠું થાય છે એવી માન્યતા છે. પરંતુ એની ખૂંધમાં પાણી નહી પણ ચરબી જમા થાય છે જે તેના શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. ખૂંધમાં જમા થયેલી ચરબી જરૂર પડે ત્યારે ભોજન અને પાણીના રૂપમાં બદલાઈ જાય છે.
ઊંટની પોષણને ત્રણ લેયર હોય છે. જે તેને રણપ્રદેશની ધુળથી બચાવે છે. એવી જ રીતે ઊંટના કાનમાં ધણાબધા વાળ હોય છે, જે રણપ્રદેશમાં ઉડતી ધૂળથી તેના કાનનું રક્ષણ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઊંટમાં સાંભળવાની અને જાેવાની ક્ષમતા વધારે હોય છે. ઊંટ શાંત સ્વભાવ ધરાવે છે તેથી અરબ સંસ્કૃતિમાં ઊંટને ધીરજ અને સહનશીલતાનું પ્રતીક માનવામાં આવે છે. અરેબિયન ઊંટની પીઠ ઉપર ફકત એક ખુધં હોય છે જયારે એશિયાઈ ઊંટોના શીર પર બે ખૂંધ હોય છે. દેખાવમાં ધીમાં લાગતા ઊંટ ૪૦૦ કિલોગ્રામ વજન ઉંચકી શકે છે. ઊંટ શાકાહારી હોય છે, તેની ગર્ભાવસ્થા ૯થી ૧૪ મહિના સુધીની હોય છે.
ઊંટના બચ્ચાંનો જન્મ થાય એના અમુક કલાકોમાં તે ચાલવાનું શરૂ કરી દે છે. આપણા શરીરમાં પંદર ટકા પાણી ઓછું થઈ જાય તો આપણને ડિહાઈડ્રેશન થઈ જાય છે પરંતુ ઊંટના શરીરમાં રપ ટકા પાણી ઓછું થઈ જાય તો પણ તેને ડિહાઈડ્રેશન થતું નથી ઊંટ એક સામાજિક પ્રાણી છે જે ટોળું બનાવીને એક સાથે ભોજન અને પાણીની શોધમાં મધ્યપ્રદેશમાં ફરે છે ઊંટનો જીવનકાળ ૪૦ થી પ૦ વર્ષ હોય છે. ઉંટડીના દૂધમાં ગાયના દૂધની સરખામણીમાં વધારે વિટામિન સી અને આર્યન હોય છે. આ ઉપરાંત એમાં ચરબી પણ ઓછી હોય છે તેથી હેલ્થ માટે બહુ સારું છે તક મળે તો ઉંટડીનું દૂધ જરૂર પીવું જાેઈએ.