અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા 18મી જાન્યુઆરીએ ગર્ભગૃહમાં સ્થાપિત થશે
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો આજથી પ્રારંભ-કર્ણાટકના અરુણ યોગીરાજ દ્વારા બનાવેલી પ્રતિમા 18મી જાન્યુઆરીએ ગર્ભગૃહમાં સ્થાપિત થશે
વારાણસીના મહંત લક્ષ્મીકાંત દીક્ષિત પ્રાણપ્રતિષ્ઠાની વિધિ કરશે.
અયોધ્યા, અયોધ્યામાં ૨૨ જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા અને તે પહેલાના તમામ કાર્યક્રમોની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવી છે. ૨૨ જાન્યુઆરીએ બપોરે ૧૨.૨૦થી ૧ દરમિયાન પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે. આ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, RSSના વડા મોહન ભાગવત અને ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃત્યગોપાલ દાસ પોતાના વિચારો રજૂ કરશે.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે સોમવારે અયોધ્યામાં મંદિર નિર્માણ કાર્યશાળામાં પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી. તેમણે કહ્યું કે પ્રાણપ્રતિષ્ઠાનો સમય કાશીના મહાન વિદ્વાન ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડ દ્વારા નક્કી કરવામાં આવ્યો છે. વારાણસીના મહંત લક્ષ્મીકાંત દીક્ષિત પ્રાણપ્રતિષ્ઠાની વિધિ કરશે. ચંપત રાયે જણાવ્યું કે ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલ્લાની મૂર્તિનું વજન ૧૫૦થી ૨૦૦ કિલો છે. રામલલ્લાની ઉભી પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. ૧૮ જાન્યુઆરીના રોજ પ્રતિમાને ગર્ભગૃહમાં પોતાના આસન પર મૂકવામાં આવશે.
તેમણે જણાવ્યું કે કાર્યક્રમની તૈયારીઓને કારણે ૨૦ અને ૨૧ જાન્યુઆરીએ રામલલ્લાના દર્શન બંધ કરી દેવામાં આવ્યા છે. ૧૬મી જાન્યુઆરીથી પ્રાણપ્રતિષ્ઠાનો પ્રારંભ થશે જે ૨૧મી સુધી ચાલશે. આ પહેલા જળવાસ, અન્નઆવાસ, શૈયાવાસ, ફળવાસની પૂજા કરવામાં આવશે. ચંપત રાયે જણાવ્યું કે ગર્ભગૃહમાં જે મૂર્તિ બિરાજવાની છે તેની પસંદગી કરવામાં આવી છે. કર્ણાટકના શિલ્પકાર અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી પ્રતિમાને ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવશે. મારા કહેવા મુજબ તેમની પ્રતિમા પસંદ કરવામાં આવી છે. મૂર્તિ બનાવતી વખતે તેમણે ૧૫ દિવસ સુધી પરિવાર સાથે વાત કરી નહોતી. તે ખૂબ જ મહેનતુ છોકરો છે. તેની મહેનત ફળી છે.
અરુણ યોગીરાજે રામલલ્લાની વાદળી રંગની મૂર્તિ બનાવી છે. આમાં રામલલ્લાને ધનુષ અને તીર સાથે ઉભા બતાવવામાં આવ્યા છે. પ્રતિમા એવી છે કે તે રાજાના પુત્ર અને વિષ્ણુના અવતાર જેવી લાગે છે. રામલલ્લા ગર્ભગૃહમાં કમળના ફૂલ પર બિરાજમાન થશે. કમળના ફૂલ સાથે તેની ઊંચાઈ લગભગ ૮ ફૂટ હશે. અંતિમ પ્રતિમાનો ફોટો હજુ જાહેર કરવામાં આવ્યો નથી.
ગર્ભગૃહમાં વડાપ્રધાન મોદી, યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSSના વડા મોહન ભાગવત, યુપીના સીએમ યોગી આદિત્યનાથ, ટ્રસ્ટના પ્રમુખ નૃત્યગોપાલ દાસ હાજર રહેશે. આ ઉપરાંત ૧૫૦ જેટલી પરંપરાના તમામ ટ્રસ્ટીઓ અને સંતો અને ધર્મગુરુઓ ઉપસ્થિત રહેશે. ભારતમાં દરેક પ્રકારની પોલીસ, પેરા મિલિટરી ફોર્સના અધિકારીઓ, સાહિત્યકારો, પદ્મ પુરસ્કાર વિજેતાઓ સામેલ થશે. મંદિરનું નિર્માણ કરનાર L&T, ટાટાના એન્જિનિયરો અને મંદિરના નિર્માણમાં રોકાયેલા ૧૦૦ લોકો ત્યાં હશે.