બહેરામપુરામાં દબાણમાં આવતા ૨૦ ધાબાં મ્યુનિ.તંત્રએ તોડી નાખ્યાં
પાંચ માળનાં રહેણાંકની સ્કીમ પ્રકારનાં ગેરકાયદે બાંધકામને હટાવવાની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરાઈ હતી
જેસીબી, બ્રેકર મશીન, ગેસ કટર મશીન, ખાનગી મજૂર, દબાણગાડી તેમજ એસ્ટેટના તમામ સ્ટાફની મદદથી મિલકતો ખાલી કરાવીને પ્રથમ અને બીજા માળની દીવાલોને તોડી નખાઈ હતી.
અમદાવાદ, શહેરના ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કામગીરી મ્યુનિ.કોર્પાેરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા સતત ચાલતી રહી છે.
ટીપી રોડ પરનાં ગેરકાયદે બાંધકામ કહો કે પછી મ્યુનિ.રિઝર્વ પ્લોટનાં ગેરકાયદે બાંધકામ ગણો પણ તંત્રની આવાં બાંધકામ પર હથોડા ઝીંકવાની નાની-મોટી કવાયત અટકાવી નથી. સોમવારે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગે બહેરામપુરા વોર્ડમાં ઓપરેશન મેગા ડિમોલિશન હાથ ધરીને દબાણકર્તાઓમાં ભારે ફફડાટ ફેલાવી દીધો હતો. સત્તાવાળાઓએ આરસીસીનાં ૨૦ ધાબાંને તોડી નાખતાં ઓપરેશન સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાસ્પદ બન્યું હતું.
દક્ષિણ ઝોન હદ વિસ્તારના બહેરામપુરા વોર્ડમાં આવેલી ટીપી સ્કીમ નં.૩૭ (દાણીલીમડા-ઉત્તર)ના સેક્ટર-૩ના ફાઈનલ પ્લોટ નં.૭૧ ૭૨ ૭૬ પૈકી રી સર્વે નં.૩૧૬ ૩૩૧/૧ પૈકીનાં છીપા સોસાયટી, અલફ્રીન રેસિડેન્સી અને ઝાયેદા ડુપ્લેક્સની બાજુમાં પાંચ માળનાં રહેણાકની સ્કીમ પ્રકારનાં ગેરકાયદે બાંધકામ બની રહ્યાં હતાં.
જેના કારણે એસ્ટેટ વિભાગે દબાણકર્તાને નોટિસ ફટકારીને આવાં બાંધકામને આગળ વધતાં અટકાવવાનો પ્રયાસ કર્યાે હતો તેમ છતાં મ્યુનિ.તંત્રની નોટિસનો અનાદર કરીને આ સ્થળે ગેરકાયદે બાંધકામનો ધમધમાટ ચાલુ જ રહ્યો હતો.
એટલે મ્યુનિ.તંત્રે ગત તા.૨૦ ઓક્ટોબર, ૨૦૨૨, તા.૩ ડિસેમ્બર, ૨૦૨૨, ૨૧ ડિસેમ્બર, ૨૦૨૨ તથા ૬ જાન્યુઆરી, ૨૦૨૩એ ત્રાટકીને આ ગેરકાયદે બાંધકામને સીલ માર્યા હતાં. ત્યારબાદ તંત્રે ગેરકાયદે બાંધકામને હટાવવાનું આયોજન હાથ ધર્યું હતું.
આ સમગ્ર વિસ્તાર સંવેદનશીલ હોઈ ઓપરેશન ડિમોલિશન હાથ ધરતાં પહેલાં એસ્ટેટ વિભાગ દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશન પાસેથી પોલીસ બંદોબસ્ત મેળવવા અંગે લેખિતમાં માગણી કરાઈ હતી.
એસ્ટેટ વિભાગ દ્વારા દાણીલીમડા પોલીસ સ્ટેશનને તા.૨૮ નવેમ્બર, ૨૦૨૨, ૨૯ નવેમ્બર, ૨૦૨૨, ૧૩ ડિસેમ્બર, ૨૦૨૨, ૧૪ ડિસેમ્બર, ૨૦૨૨, ૨ જાન્યુઆરી, ૨૦૨૩, ૩ જાન્યુઆરી, ૨૦૨૩, ૧૧ જાન્યુઆરી, ૨૦૨૩, ૧૨ જાન્યુઆરી ૨૦૨૩, ૩૦ જાન્યુઆરી, ૨૦૨૩, ૩૧ જાન્યુઆરી, ૨૦૨૩ અને છેલ્લે ૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૩એ લેખિતમાં પત્ર પાઠવીને ઓપરેશન મેગા ડિમોલિશન હેતુસર પોલીસ બંદોબસ્ત માગ્યો હતો.
દાણીલીમડા પોલીસ સ્ટેશન પાસે ૧૧-૧૧ વખત પત્ર પાઠવીને પોલીસ બંદોબસ્ત માગનાર દક્ષિણ ઝોનના સત્તાવાળાઓને છેવટે ગઇ કાલે પોલીસ બંદોબસ્ત મળ્યો હતો. એસ્ટેટ વિભાગને પોલીસ બંદોબસ્ત મળતાવેંત તંત્ર ત્રાટક્યું હતું. તંત્ર દ્વારા સૌ પ્રથમ પહેલા માળથી પાંચમા માળ સુધીના બિલ્ડિંગમાંતી રહેણાંકના અસરકર્તા કબજેદારોની મિલકત ખાલી કરાવાઈ હતી.
જેસીબી, બ્રેકર મશીન, ગેસ કટર મશીન, ખાનગી મજૂર, દબાણગાડી તેમજ એસ્ટેટના તમામ સ્ટાફની મદદથી મિલકતો ખાલી કરાવીને પ્રથમ અને બીજા માળની દીવાલોને તોડી નખાઈ હતી. ત્યાર બાદ આરસીસીનાં ૨૦ ધાબાંને કાપી બાંધકામને નેસ્તનાબૂદ પણ દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતેથી પોલીસ બંદોબસ્ત મળતાં ચાલુ રખાશે તેમ દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર જણાવે છે.