Western Times News

Gujarati News

બહેરામપુરામાં તંત્રએ દબાણ હટાવીને રોડ ખુલ્લો કર્યાે

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા શહેરના રોડ પરનાં દબાણો હટાવીને તેને ટ્રાફિકની અવરજવર માટે ખુલ્લો મૂકવાની કામગીરી સતત ચાલી રહી છે. દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં તંત્રે પાણીનો હવાડો સહિતનાં બાંધકામને દૂર કરીને ૫૦૦ રનિંગ મીટર લંબાઈનો રોડ લોકો માટે ખુલ્લો કર્યાે હતો.

દક્ષિણ ઝોનના બહેરામપુરા વોર્ડમાં તંત્ર દ્વારા ગૌતમનગર ચાર રસ્તાથી જમાલપુર ટ્યૂબવેલ (ઉંટવાળી ચાલી રોડ) તરફ જતાં રોડ અને તેની ફૂટપાથ પર લોકો તથા ટ્રાફિકની અવરજવરમાં નડતરરૂપ બે લારી અને ૨૧ પરચૂરણ માલસામાન ગોડાઉનમાં જમાં કરાવવામાં આવ્યો હતો.

આ ઉપરાંત પાણીનો હવાડો, નવ ઓટલા તથા એક્સ્ટેન્શન પ્રકારનાં બાંધકામો દૂર કરીને ૫૦૦ રનિંગ મીટરની લંબાઈનો રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો. આની સાથે ગેરકાયદે પ્રદર્શિત કરાયેલાં જાહેરાતનાં ૬૨ બોર્ડ અને બેનર વગેરે પણ દૂર કરીને તંત્રે કસૂરવારો પાસેથી રૂા. ૨૫૦૦૦નો દંડ વહીવટી ચાર્જ પેટે વસૂલતાં આ પ્રકારની પ્રવૃત્તિ કરનારા ધંધાર્થીઓમાં ફફળડાટ ફેલાઈ ગયો છે.

જ્યારે શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં દબાણ દૂર કરવાની કામગીરી હેઠળ આઠ લારી, ૮૬ બોર્ડ-બેનર તેમજ ૫૭ પરચૂરણ માલસામાનને એસ્ટેટ વિભાગની ટીમે જપ્ત કર્યાે હતો. ટ્રાફઇકને નડતરરૂપ ૧૧ જેટલાં વાહનોને પણ સત્તાવાળાઓએ તાળાં મારી દીધાં હતાં. આ સમગ્ર ઝોનમાં રોડ પરનાં લૂઝ દબાણો તેમજ વાહનોને લોક કરવા અને જાહેરખબરનાં બોર્ડ દૂર કરવા સંદર્ભે સત્તાધીશોએ કસૂરવારો પાસેથી વહીવટી ચાર્જ પેટે રૂા. ૨૨૫૦૦ વસૂલ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટનાં નિર્દેશ બાદ આ ઝોનના રન્નાપાર્કથી પ્રભાતચોક, ચાણક્યપુરીબ્રિજ, ડમરુ સર્કલ, કારગિલ પેટ્રોલ પંપ, હાઈકોર્ટથી સોલા ભાગવત સુધી, કેશવબાગથી માનસી સર્કલ, જજીસ બંગલો થઈ પકવાન ચાર રસ્તા અને ઈસ્કોન ચાર રસ્તાથી ગોતા ચાર રસ્તા થઈ વૈષ્ણોદેવી સર્કલની બંને બાજુ ટ્રાફિક પોલીસની સાથે રાખી મ્યુનિસિપલ તંત્ર દ્વારા રોજરોજ સઘન ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.