બનાસકાંઠામાં ગૌશાળા પોષણ યોજનાના નથી મળ્યા રૂપિયા
બનાસકાંઠા, ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની સહાય બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળને ત્રણ મહિનાથી મળી નથી. જેથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ સરકારને પત્ર લખીને આ અંગે રજૂઆત કરી છે, બાકી નીકળતી ત્રણ મહિનાની સહાયની રકમ તાત્કાલિક ચૂકવવાની માંગ કરી છે.
ગુજરાતમાં ૧૭૦૦ જેટલી ગૌશાળા અને પાંજરાપોળ છે, કોરોના મહામારી બાદ દાનની આવક ઘટતા ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની હાલત કફોડી બનતા સંચાલકોએ આંદોલન કર્યું હતું. બાદમાં સરકારે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરીને દર વર્ષે ગૌશાળા અને પાંજરાપોળને ૫૦૦ કરોડ રૂપિયા સહાય ચૂકવવાની શરૂઆત કરી હતી. જે અંતર્ગત બનાસકાંઠાની ગૌશાળા અને પાંજરાપોળને છેલ્લા ત્રણ મહિનાની સહાય ચૂકવવા વિલંબ થયો છે.
બનાસકાંઠા જિલ્લામાં કચ્છ પછી બીજા ક્રમે સૌથી વધુ પશુઓ અને પાંજરાપોળ આવેલા છે, જ્યાં સરકાર દ્વારા દર ૩ મહિને ૨૦૩ ગૌશાળા અને પાંજરાપોળના ૬૪ હજાર જેટલા પશુઓને સહાય ચૂકવવામાં આવે છે. જેમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એમ ત્રણ મહિનાની ૧૭ કરોડ જેટલી સહાય સરકાર દ્વારા હજુ સુધી ચૂકવવામાં આવી નથી.
સહાયમાં વિલંબ થતાં જ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની મુશ્કેલી ઊભી થઈ છે. ઉનાળાની શરૂઆત સાથે જ ઘાસચારાનો ભાવ પણ બમણો થઈ ગયો હોવાથી પશુઓના સારસંભળાનો ખર્ચ વધ્યો છે. બીજી તરફ સહાય મળવામાં મોડું થઈ રહ્યું છે, જેથી ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોની મુશ્કેલી વધી રહી છે.
હવે આ મામલે સંચાલકોએ મુખ્યમંત્રી, ગૌસેવા આયોગ અને ગૌચર વિકાસ બોર્ડના સચિવને પત્ર લખી સહાય ચૂકવવાની માંગ કરી છે. આ મામલે બનાસકાંઠા જિલ્લા પશુપાલન વિભાગના નાયબ પશુપાલન નિયામકે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાની ગૌશાળા અને પાંજરાપોળ ની ત્રણ મહિના ની સહાય બાકી હતી તે તમામ ગૌશાળાઓની દરખાસ્ત સ્ટેટ કમિટીને મોકલી આપવામાં આવી છે એટલે ટૂંક સમયમાં જ તમામ ગૌશાળાઓને બાકી નીકળતી સહાયની રકમ ચૂકવાઇ જશે.
બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળામાં પાણી અને ઘાસચારાની ભારે અછત સર્જાતી હોય છે, જેના કારણે જ પશુઓની સંભાળ કરનારે બમણી અને ત્રણગણી કિંમતે ઘાસચારો લાવવો પડે છે. આ કારણે દાન અને સહાય પર ચાલતી ગૌશાળાઓના સંચાલકોની હાલત કપરી બની ગઈ છે. આ સંચાલકોનું કહેવું છે કે, સરકાર તાત્કાલિક સહાયની રકમ ચૂકવે તો સંચાલકો રાહત અનુભવી શકે તેમ છે.SS1MS