બિહારમાં લઠ્ઠાકાંડમાં ૩૬ના મોતઃ ૧૨ની ધરપકડ કરાઈ
પટણા, બિહારમાં નીતીશકુમારની સરકારે ૨૦૧૬માં દારુબંધી લાગુ કરી હતી. ત્યાર પછી બિહારમાં લઠ્ઠો પીવાને લીધે લોકોના મોતની ઘટના વધવા માંડી છે.
આ દરમિયાન સિવાન અને સારણ જિલ્લામાં લઠ્ઠો(ઝેરી દારૂ) પીવાથી ૩૬ના મોત થયા છે. જ્યારે ૨૦થી વધુ લોકોની હાલત ગંભીર છે, તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, આ પૈકી કેટલાકની આંખને અસર થઈ છે.બિહારના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ(ડીજીપી) આલોક રાજે કહ્યું કે, સિવાનમાં ૨૦ લોકોના મોત થયા છે, જ્યારે સારણમાં પાંચ લોકોના મોત થયા છે.
આ બંને ઘટના પછી પોલીસે કથિત રીતે ઝેરી દારૂ વેચવાના મામલામાં ૧૨ લોકોની ધરપકડ કરી છે. એક સાથે ૩૬ લોકોના મોત પછી તપાસ માટે બે વિશેષ ટીમ બનાવવામાં આવી છે. સ્થાનિક સ્તર પર રચાયેલી તપાસ ટીમો તાજેતરના પ્રકરણમાં સામેલ ગુનેગારોની તપાસ કરશે.
ડીજીપી આલોક રાજે એમ પણ કહ્યું કે, વધુ એક એસઆઈટીની રચના કરવામાં આવી છે, જે તાજેતરના દિવસોમાં બનેલી આ પ્રકારની તમામ ઘટનાઓનો વ્યાપક અભ્યાસ કરશે, જેના આધારે કાર્યવાહીની યોજના બનાવવામાં આવશે. આ લઠ્ઠાકાંડની ઘટનામાં એક દારૂ-માફિયાનું નામ સામે આવ્યું છે. એ પહેલા પણ આ પ્રકારના મામલામાં સામેલ રહ્યો છે અને હાલ એ જામીન પર બહાર છે.SS1MS