બોરસદમાં ટ્રક ડ્રાઈવરે પોલીસ જવાન પર ટ્રક ચડાવી કચડી નાંખ્યો
આણંદ, બોરસદમાં પોલીસ જવાનો નાઈટ ડ્યુટી દરમિયાન હાઈવે પર શંકાસ્પદ વાહનોની તપાસ કરી રહ્યા હતા ત્યારે એક શંકાસ્પદ ટ્રક કે જેનું પાસીંગ રાજસ્થાન હતું તે ટ્રેકને પોલીસ જવાને રોકવાનો ઇશારો કર્યો હતો, ત્યારે ડ્રાઈવરે ટ્રક રોકી દેવાને બદલે ટ્રકનો પૂરપાટ દોડાવી મૂકી હતી.
પોલીસ જવાનને કચડી નાખી ફરાર થઈ ગયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા રાજકિરણ નામના પોલીસ જવાનને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતા.
સારવાર માટે દાખલ કરાયેલા જવાનનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હોવાથી ટ્રક ડ્રાઈવર સામે હત્યાનો ગુનો લાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
પોલીસના જવાનને કચડીને ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને પકડવા અન્ય પોલીસ જવાનો પાછળ ગયા હતા પણ ટ્રક ડ્રાઈવર ટ્રક માણેજ ગામ પાસે મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે ટ્રકનો કબજો લઈ તેના માલિકની શોધ કરવાની અને તેના આધારે આ ટ્રક કોણ ચલાવી રહ્યું હતું તે શોધવાની કવાયત શરૂ કરી છે.
પ્રારંભિક તપાસમાં જાણવા મળી રહ્યુ છે કે, ટ્રક રાજસ્થાન પાસીંગની હતી અને ક્યાં જઈ રહી હતી તે ચોક્કસ પણે કહી શકાય તેમ નથી.
આણંદના એસપી દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે ગઈ રાત્રે પોલીસના જવાનોએ હાઈ વે પર એક શંકાસ્પદ ટ્રકને રોકવાની કોશિશ કરી ત્યારે ટ્રક ચાલકે તેના પર ટ્રક ચડાવી દીધી હતી, જેમાં પોલીસ જવાન રાજકિરણને ગંભીર ઇજાઓ થઈ હતી. ફોટો-એએનઆઈ