બ્રાહ્મણવાડામાં મહિલાઓએ દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ કરી
મહેસાણા, મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે દારુની બદી વઘતાં મહિલાઓ વીફરી હતી. મહિલાઓએ ઘરમાં કંકાસ સહિતની સમસ્યાઓ પાછળ દારુની વધતી બદી જવાબદાર હોવાને લઈ આખરે હલ્લાબોલ કર્યો હતો.
મહિલાઓએ દારુના અડ્ડાઓ પર જઈને જનતા રેડ કરી હતી. દારુની કોથળીઓને મહિલાઓએ જાહેરમાં સળગાવી દઈને વિરોધ કર્યો હતો.
દારુની બદીએ લોકોને પરેશાન કરી મુક્યા છે. દેશી દારુ ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં બેફામ વેચાણ થવા લાગ્યો એ વિસ્તારમાં અનેક ઘર પરિવારોને માથે મુશ્કેલીઓ ઉતરી આવી છે.
આવી જ રીતે મહેસાણાના ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામે એક લગ્ન પ્રસંગમાં દારુએ પરેશાની વધારતા મહિલાઓ રોષે ભરાઈ હતી. રોજ રોજ દેશી દારુને લઈ ઘર કંકાસ હોવા ઉપરાંત હવે પ્રસંગ પણ શાંતિથી નહીં થઈ શકતા મહિલાઓએ એકઠી થઈને જનતા રેડ કરી હતી.
મહિલાઓએ ગામની સીમમાં ચાલતા દેશી દારુનાલ અડ્ડાઓ પર જઈને દારુનો નાશ કરવા કાર્યવાહી કરી હતી. મહિલાઓએ દારુની પોટલીઓને જાહેરમાં હોળી કરીને સળગાવી હતી. મહિલાઓએ અને સ્થાનિક ગ્રામજનોએ પણ દારુના અડ્ડાઓ બંધ કરવા માટે રજૂઆતો કરી હતી. SS3SS