બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કર્યુ અને અકસ્માત થયો તો વિમા કંપની વળતર આપશે નહિં
કારચાલક બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરી રહ્યા હોવાનું ફલિત થતાં વળતરનો દાવો કોર્ટે ફગાવ્યો-બેફામ વાહન ચલાવનાર સામે મૃતકના પરિવારે કરેલો 2.50 કરોડનો દાવો ફગાવાયો
સુરત, બેફામ અને બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરનારા માટે ચેતી જવા જેવો ચુકાદો સુરતની અકસ્માત વળતર માટેની વિશેષ અદાલતે આપ્યો છે. મૃતકના પરિજનોએ કરેલો ર.પ કરોડનો દાવો ફગાવાયો છે. વેલંજા-પારડી વચ્ચે અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજયું હતું. કારચાલક બેદરકારીભર્યું ડ્રાઈવિંગ કરી રહ્યા હોવાનું ફલિત થતાં વળતરનો દાવો કોર્ટે ફગાવ્યો હતો.
આ કેસની માહિતી એવી છે કે, ૧૧ વર્ષ પૂર્વે કામરેજ વેલંજાથી પારડી વચ્ચે કાર અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલકનું મોત નીપજયું હતું. દુર્ઘટનાને પગલે મૃતકના વારસદારો દ્વારા ટેમ્પોના ચાલક અને માલિક સહિત વીમા કંપની વિરૂદ્ધ ર.પ કરોડ રૂપિયાના વળતર માટેનો દાવો કરવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટ દ્વારા મૃતકના વારસદારો દ્વારા કરવામાં આવેલ વળતરની માંગણી ફગાવી દેવામાં આવી છે. કોર્ટ દ્વારા ચુકાદામાં સ્પષ્ટપણે અકસ્માત દરમિયાન મૃતક કાર ચાલકની લાપરવાહી હોવાનું પણ ટાંકવામાં આવ્યું હતું.
સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સને ર૦૧૩માં જુન મહિનાની છઠ્ઠી તારીખે સવારે ૭.૩૦ કલાકે દિલીપ પટેલ નામના વ્હિકલ કોન્ટ્રાકટર પોતાની કારમાં વેલંજાથી પારડી તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ટેમ્પો સાથે અકસ્માત સર્જાયો હતો, જેમાં દિલીપ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. અકસ્માતને પગલે નિરાધાર બનેલા તેમના પત્ની સોનલ પટેલ દ્વારા ટેમ્પોના ચાલક, માલિક અને વીમા કંપની ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્શ્યોરન્સ કંપની વિરૂદ્ધ અઢી કરોડ રૂપિયાનું વળતર મેળવવા માટે કોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો.
કોર્ટમાં મૃતકની પત્ની સોનલ પટેલે જણાવ્યું હતું કે, તેમના પતિ વ્યવસાયે કોન્ટ્રાકટર હતા અને ગાડી ભાડા પર ફેરવતાં હતા. વર્ષે ૧૩ લાખ રૂપિયાની આસપાસ કમાણી કરતા હોવાને કારણે તેમની પત્ની દ્વારા આટલી મોટી રકમ વળતર પેટે માંગવામાં આવી હતી. જોકે, કોર્ટમાં સુનાવણી દરમિયાન મૃતક દિલીપ પટેલ પુરઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવી રહ્યા હોવાની સાથે-સાથે તેઓએ આગળ જતાં વાહન અને પોતાના વાહનની વચ્ચે જરૂરી અંતર જાળવ્યું ન હોવાનું ફલિત થયું હતું. આ સિવાય અકસ્માત સમયે અંધારૂ ન હતું અને દિલીપ પટેલે અકસ્માતને ટાળવા માટે બ્રેક પણ મારી ન હોવાનું કોર્ટમાં રજુ કરાયેલી હકીકતો ઉપરથી જણાઈ આવ્યું હતું.
આ સિવાય અન્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવાની સાથે કોર્ટ દ્વારા સુપ્રિમ કોર્ટના નિશાંત સિંગ વિરૂદ્ધ ઓરિએન્ટલ કંપની અને નેશનલ કંપની વિરુદ્ધ ચામુંડેશ્વર જજમેન્ટનો ઉલ્લેખ કરી મૃતક દિલીપ પટેલ પર એબેટેડ સમરી ફાઈલ કરી તેમની ૧૦૦ ટકા જવાબદારી નકકી કરવા સાથે અઢી કરોડ રૂપિયાના વળતરનો દાવો ડિસમીસ કરવાનો હુકમ કર્યો હતો.