કોલંબિયામાં ભારતીયોને ફોન પર ખંડણીની ધમકી અપાય છે
ટોરેન્ટો, ગત વર્ષે કેનેડાના જે પ્રાંતમાં ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા થઇ હતી ત્યાં હવે ભારતીયોની હેરાનગતિ કરવામાં આવી રહી છે. ખુદ ભારત સરકારે આ મામલે ધ્યાન આપ્યું હતું. અહીં ભારતીયો પાસેથી બળજબરીપૂર્વક ખંડણી વસૂલીના કિસ્સા સામે આવી રહ્યા છે. અહીં તેમને ફોન કરીને આવી ખંડણી વસૂલવા ધમકાવાઈ રહ્યા છે. આ મામલો કેનેડિયન પ્રાંત બ્રિટિશ કોલંબિયાનો છે.
હવે ભારતે આવા અહેવાલો પર ચિંતા વ્યક્ત કરતાં તેને ગંભીર ચિંતાનો મામલો ગણાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે ભારતીય નાગરિકોને બળજબરીપૂર્વક ખંડણી વસૂલીના કોલ આવવા એ ગંભીર ચિંતાનો મામલો છે. અમારી પાસે હજુ સચોટ રિપોર્ટ નથી. અમારી પાસે ચર્ચા કરવા ઘણા મુદ્દા છે.
મંદિર ઉપર હુમલા વિશે પણ અમે ચર્ચા કરી હતી. કેનેડાની પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. તેમણે કહ્યું કે જે વ્યક્તિએ મંદિરમાં ઘૂસણખોરી કરી હતી તેનું માનસિક સંતુલન ઠીક નહોતું હોવાની પોલીસે જાણકારી આપી હતી.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયાના એક શહેર સરેમાં અજાણ્યા બંદૂકધારીઓએ નિજ્જરની ગોળી મારી હત્યા કરી નાખી હતી. કેનેડિયન સરકારે તેનો આરોપ ભારત સરકારના એજન્ટો પર લગાવ્યો હતો. ભારતે આરોપોને વાહિયાત ગણાવતા ફગાવી દીધા હતા. SS2SS