દાહોદ પાલિકામાં પ્રમુખ- ઉપપ્રમુખની વરણીમાં કદાવર નેતાઓના પત્તાં કપાયા
પ્રમુખપદે નિરજ (ગોપી) દેસાઈ તેમજ ઉપપ્રમુખ તરીકે શ્રદ્ધાબેન ભડંગને કમાન સોંપાઈ
દાહોદ, દાહોદ નગરપાલિકાની બાકી બચેલી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ, ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની ચુંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. પાર્ટી હાઈ કમાન્ડમાંથી મેન્ડેટ આવતા પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન પક્ષના નેતા દંડક, તેમજ બાંધકામ સમિતિના ચેરમેન જાહેર થતાં
નવનિયુકત ચૂંટાયેલા પદાધિકારીઓના તેમજ પરિવારજનોમાં ખુશીનો માહોલ જાેવામળ્યો હતો. ર૦ર૪ લોકસભા ચૂંટણી તમામ સમાજનો બેલેન્સ જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મુસ્લિમ સમાજમાંથી પ્રમુખ ઉપપ્રમુખ તરીકે જવાબદારી સોપાય તે અંગે ઉઠેલી માંગોને ધ્યાને લઈ
વર્ષો બાદ મુસ્લિમ સમાજમાંથી ચૂંટાયેલા સુધરાઈ સભ્યને પાલિકામાં સ્થાન આપી લઘુમતી વોટ બેંક વધુ મજબુત કરી સમતોલન જાળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ વખતે આશ્ચર્યજનક રીતે સિંધી સમાજમાંથી કોઈને જવાબદારીનો આપવામાં ન આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.
દાહોદ પાલિકાના અઢી વર્ષની ટર્મનો કાર્યકાળ પૂર્ણ થતા આગામી અઢી વર્ષની ટર્મ માટે પાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારી એન.બી. રાજપૂતની અધ્યક્ષતામાં ચૂંટણી યોજાઈ હતી જેમાં પાલિકા પ્રમુખ તરીકે નીરજ નિકુંજકુમાર (ગોપી) દેસાઈ,
ઉપપ્રમુખ તરીકે શ્રદ્ધાબેન ચિરાગકુમાર ભડંગ, કારોબારી ચેરમેન તરીકે હિમાંશુભાઈ રમેશચંદ્ર બબેરીયા, પક્ષના નેતા તરીકે દીપેશભાઈ રમેશચંદ્ર લાલપુરવાળા, દંડક તરીકે એહમદભાઈ રસુલભાઈ ચાંદ, બાંધકામ સમિતિના પદે માસુમબેન ગરબાડાવાળાને જવાબદારી સોંપાઈ છે.