એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલમાં ઓલપાડ તાલુકાનાં શિક્ષકોએ નવતર પ્રયોગો રજૂ કર્યા
હાંસોટ, રાજ્યનાં શિક્ષણ વિભાગ અને જીસીઈઆરટી, ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત દ્વારા જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં નવતર પ્રયોગો કરનાર શિક્ષકોને પ્રોત્સાહન મળે, વર્ગખંડ ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય તથા આવા નવતર પ્રયોગો કરવા વધુ ને વધુ શિક્ષકો પ્રેરાય એવાં ઉમદા હેતુસર એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાનાં આ ઇનોવેશન ફેસ્ટિવલ ફેર માટે સુરત જિલ્લાની પ્રાથમિક વિભાગનાં ૯૦ માંથી ૪૫ જેટલાં નવતર પ્રયોગો (થીમ) પસંદ કરવામાં આવ્યા હતાં. જેમાં ઓલપાડ તાલુકાનાં પાંચ શિક્ષકોનાં નવતર પ્રયોગો જિલ્લા કક્ષાનાં પ્રદર્શન માટે પસંદગી પામ્યા હતાં. જે આ મુજબ છે. ૧. કુદીયાણા પ્રાથમિક શાળાનાં આચાર્ય વિનોદ એમ. પટેલ ( How to teach social science easily ), ૨. પ્રભુનગર પ્રાથમિક શાળાનાં આચાર્યા હેમલતા આર. પરમાર ( મારા અર્થગ્રહણનાં સાથીઃપપેટ ), ૩. કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ડૉ. ધર્મેશ એમ. પટેલ ( સફળ સંચાલન અને નેતૃત્વ ), ૪. કરમલા પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા દીપના એમ. પટેલ ( Lª’s learn English ) તથા ૫. સીથાણ પ્રાથમિક શાળાનાં ઉપશિક્ષિકા કલ્પના જે. પટેલ ( વેસ્ટ મેનેજમેન્ટ). સદર કાર્યક્રમમાં સહભાગી થયેલ આ પાંચેય શિક્ષકોને ફોલ્ડરબેગ, પ્રમાણપત્ર અને શિલ્ડ ઉપસ્થિત મહાનુભવોનાં હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતાં.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનાં કુલપતિનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ ફેસ્ટિવલને ભારતભરમાં રબરગર્લ તરીકે નામના મેળવનાર કુમારી અન્વી ઝાંઝરૂકિયા દ્વારા નિદર્શન માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ફેસ્ટિવલનાં દ્વિતિય ચરણમાં ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવનાર અશ્વિનભાઇ સુદાણીને ખાસ વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા હતાં. એમ તાલુકાનાં પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.