દરેક હુમલાના બદલામાં-ઇઝરાયલી બંધકોમાંથી એકને જાહેરમાં ફાંસી આપીશુંઃ હમાસ
યુદ્ધે અમને અસંસ્કારી બનવા મજબૂર કર્યા છે. અમે યુદ્ધ શરૂ કર્યું નથી, પરંતુ અમે તેનો અંત કરીશું.
(એજન્સી)નવી દિલ્હી, હમાસે ઈઝરાયેલને ચેતવણી આપી છે કે જાે તે ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા ચાલુ રાખશે તો તેને પરિણામ ભોગવવા પડશે. હમાસે ઈઝરાયેલને કહ્યું છે કે જાે તે ગાઝામાં ઘરો પર અચાનક હુમલા કરવાનું ચાલુ રાખશે, તો તે દરેક હુમલા માટે એક ઈઝરાયેલી બંધકને જાહેરમાં ફાંસી આપશે.
વાસ્તવમાં ઈઝરાયેલે ગાઝા વિસ્તારમાં ૩ લાખ રિઝર્વ ફોર્સ તૈનાત કરી છે. ૧૯૭૩માં યોમ કિમોર યુદ્ધ બાદ પ્રથમ વખત ઈઝરાયેલે આટલી મોટી સંખ્યામાં અનામત દળોને તૈનાત કર્યા છે. ઇઝરાયેલની ટીવી ચેનલો અનુસાર, હમાસના હુમલામાં માર્યા ગયેલા ઇઝરાયલી નાગરિકોની સંખ્યા ૯૦૦ પર પહોંચી ગઈ છે,
જ્યારે બંને પક્ષોની સંયુક્ત રીતે સંખ્યા ૧૫૦૦ને પાર કરી ગઈ છે. ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ હમાસ દ્વારા કરાયેલા હુમલા અને ઇઝરાયેલના નાગરિકોને બંધક બનાવવા અંગે ભાષણ આપ્યું હતું. તેમણે ભાષણ દરમિયાન શપથ લીધા કે તેઓ હમાસ પાસેથી બાળકો અને અન્ય લોકોના મોતનો બદલો લેશે.
તેણે કહ્યું, આ દુષ્ટ દુશ્મન યુદ્ધ ઇચ્છતો હતો અને તેને યુદ્ધ મળશે. રાષ્ટ્રને પોતાના સંબોધનમાં ઈઝરાયેલના પીએમએ કહ્યું, ઈઝરાયલ યુદ્ધની વચ્ચે ઉભું છે, પરંતુ અમે યુદ્ધ ઇચ્છતા ન હતા. યુદ્ધે અમને અસંસ્કારી બનવા મજબૂર કર્યા છે. અમે યુદ્ધ શરૂ કર્યું નથી, પરંતુ અમે તેનો અંત કરીશું. તેમણે કહ્યું, અમે અમેરિકી રાષ્ટ્રપતિ બિડેનનો આભાર માનીએ છીએ.
અમે દુનિયાભરના નેતાઓનો આભાર માનવા માંગીએ છીએ જેઓ આવા ખરાબ સમયમાં અમારી સાથે ઉભા છે. ઈઝરાયેલ માત્ર હમાસ સામે લડી રહ્યું નથી, પરંતુ તે તમામ દેશો સામે લડી રહ્યું છે. જે બર્બરતાને પ્રોત્સાહન આપે છે. હમાસના આતંકવાદીઓએ સંખ્યાબંધ ઈઝરાયલના નાગરિકોનું અપહરણ કર્યું છે
જેમાં બાળકીઓ, યુવતીઓ અને યુવકોનો સમાવેશ થાય છે. આ તમામને સહી સલામત છોડાવવા માટે ઈઝરાયલ દ્વારા સઘન ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ હમાસના આતંકવાદીઓએ પણ આક્રમણરૂપ બતાવી ગંભીર ચેતવણી આપી છે.