ગોધરામાં 4 કલાકમાં 9 ઈંચ વરસાદ વરસતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) સોમવારના દિવસે મેઘરાજાએ વિરમ લીધા બાદ મોડી સાંજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરતા નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા જતા હાહાકાર મચી ગયો હતો. ગોધરામાં ૪ કલાકમાં ૯ ઇંચ વરસાદ પડતા યોગેશ્વર સોસાયટી ,
પાવર હાઉસ ની સિંધીની ચાલ, અમુલ પાલર પ્રભા રોડ, જુલેલાલ સોસાયટી ,શહેરાભાગોળ રોડ, શાંતિ નિવાસ સોસાયટી ,સ્વામિનારાયણ કોમ્પલેક્ષ ,અંકલેશ્વર મહાદેવ રોડ, દાહોદ રોડ, શિવ શક્તિ સોસાયટી ખાડી ફળીયા, કલેકટર કચેરી , જીલ્લા પંચાયત રોડ તથા અનેક વિસ્તારોમાં જળબંબાકાળ જેવી સ્થિતિ સર્જાતા વાહન ચાલકો અને રાહદારીઓ પણ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
વરસાદ પગલે નાના-મોટા કામથી નીકળેલા અનેક લોકો પાણીમાં ફસાયા હતા અને વાહનો પાણીમાં બંધ પડતાં મુશ્કેલીમાં મુકાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા અને વરસાદી પાણી ઉલેચલાની ફરજ પડી હતી અને ઘરોનો સામાન પાણીથી બચાવવા વ્યસ્ત બન્યા હતા. કેટલાક વિસ્તારોમાં અગાઉના વર્ષની જેમ વરસાદી પાણી ભરાતા પાલિકા તંત્રની ફ્રી-મોન્સુન કામગીરીની પોલ ખુલ્લી પડી હતી.
આ ઉપરાંત બોમ્બે દિલ્હી રેલવે લાઈન ટ્રેક ઉપર ગોધરા પાસે પાણી ભરાઈ જતાં થોડા કલાકો માટે ટ્રેનો થોભાવી દેવામાં આવી હતી જેનાબાદ પાણીનો નિકાલ કરી ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ કરાયો હતો.ગોધરા મેશરી નદી બે કાંઠે વહેતી થતાં વ્હોરવાડ પુલિયા ઉપર પાણી ફરી વળ્યાં છે જેથી અવર જવર બંધ કરવામાં આવી છે.
રાત્રી દરમિયાન ગદૂકપુર કોઝવે ઉપર વહેતા પાણીમાં કાર તણાતા ગોધરા ડીવાયએસપી સી.સી ખટાણા અને ટીમે ટ્રેકટર ઉપર ત્યાં પહોંચી રેસ્ક્યુ કરી કાર ચાલક સહિત કુલ ચાર વ્યક્તિ અને કાર ને પાણી માંથી બહાર કાઢ્યા હતા.