ગુજરાતમાં 6.69 લાખ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી
પ્રાકૃતિક ખેતીમાં ગુજરાત આગામી બે વર્ષમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે હશે :રાજ્યપાલ
જૂનમાં; એક મહિનામાં જ ૧,૩૨,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા
ત્રણ મહિનામાં જ ૯,૨૭,૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી
ગુજરાતમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. જૂન-૨૦૨૩ માં; એક મહિનામાં જ વધુ ૧,૩૨,૦૦૦ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. ગુજરાતમાં હવે ૬,૬૯,૦૦૦ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ પ્રસન્નતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી જીવન પ્રદાન કરનારી પદ્ધતિ છે.
આ પદ્ધતિથી ખેડૂતો સાવ ઓછા ખર્ચમાં સ્વાસ્થ્યપ્રદ અને વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે, જે પ્રત્યક્ષ પ્રમાણ છે. અન્ય ખેડૂતો આ પ્રત્યક્ષ પ્રમાણ જોઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. ગુજરાતમાં આ ક્ષેત્રે સમર્પિત ભાવથી કામગીરી થઈ રહી છે. આ જ રીતે આપણે આગળ વધતા રહીશું તો ગુજરાત આગામી બે વર્ષમાં પ્રાકૃતિક ખેતીમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમાંકે હશે એમાં બે મત નથી.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધે એ માટે સતત પૃચ્છા કરીને માર્ગદર્શન આપતા રહે છે. ગુજરાતમાં દરેક ગામમાં ઓછામાં ઓછા ૭૫ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનના અનુસંધાને આજે ગુજરાતની ૪,૫૧૨ ગ્રામ પંચાયતોમાં ૭૫ થી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. ૩,૫૬૮ ગ્રામ પંચાયતોમાં ૫૦થી વધુ અને ૩,૭૮૯ ગ્રામ પંચાયતોમાં ૨૫ થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે.
આજે ગાંધીનગરમાં રાજભવનમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે યોજાયેલી રાજ્યકક્ષાની સમીક્ષા બેઠકમાં ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની પરિસ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતી પદ્ધતિના ચુસ્ત હિમાયતી અને અભ્યાસુ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અનુરોધથી તા. ૧લી મે, ૨૦૨૩ થી
રાજ્યભરમાં ૧૦-૧૦ ગામોના ક્લસ્ટર્સમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ પદ્ધતિ અત્યંત સફળ થઈ છે. એપ્રિલ, મે અને જૂન-૨૦૨૩ ના ત્રણ મહિનામાં જ રાજ્યમાં બીપરજૉય વાવાઝોડાની સ્થિતિ છતાં ૯,૨૭,૦૦૦ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. ત્રણ વર્ષમાં ગુજરાતમાં કુલ ૨૧,૬૩,૦૦૦ ખેડુતોને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ આપવામાં આવી છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ખરીફ પાકની આ સિઝનમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય એવા પ્રયત્નો કરવા કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓને અનુરોધ કર્યો હતો. જિલ્લાઓમાં કલેકટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીઓને તાલીમ કાર્યક્રમો વધુ ફળદાયી બને એવા પ્રયત્નો કરવા તેમણે કહ્યું હતું.
પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવામાં જે ખેડૂત કે કર્મચારી પ્રશંસનીય કામગીરી કરે તેનું જાહેર સન્માન કરવા પણ તેમણે કહ્યું હતું. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરની બહાર ‘આપણું ગુજરાત-પ્રાકૃતિક ગુજરાત’ એવા સૂત્ર સાથે અન્ય ખેડૂતોને માર્ગદર્શન અને પ્રોત્સાહન મળે એ પ્રકારે માહિતી બોર્ડ મુકવા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને તેમના ઉત્પાદન માટે સરળતાથી પ્રમાણપત્ર મળી રહે એવું આયોજન કરવા તેમણે માર્ગદર્શન આપ્યું હતું.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત વિદ્યાપીઠ હસ્તકના રાંધેજા-ગાંધીનગર, દેથલી-ખેડા અને અંભેટી-વલસાડ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પ્રાકૃતિક ખેતી માટે આદર્શ તાલીમ કેન્દ્રો બને એ માટે અનુરોધ કર્યો હતો. જૂન-૨૦૨૩ સુધીમાં ૧,૧૯૪ ખેડૂતોને આ ત્રણ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો મારફતે તાલીમ આપીને માસ્ટર ટ્રેનર બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યારે ૧,૪૬૬ ક્લસ્ટર્સ બનાવીને ૧૪,૪૮૫ ગામોમાં ૧,૪૬૬ ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ અને ૧,૩૬૬ માસ્ટર ટ્રેનર ખેડૂતો અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની તાલીમ આપી રહ્યા છે.
આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, ‘આત્મા’ના ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશ પટેલ, ગુજરાત એગ્રો ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી. એચ. શાહ,
કૃષિ નિયામક શ્રી એસ. જે. સોલંકી, ‘આત્મા’ના નિયામક શ્રી પ્રકાશ રબારી, ગુજરાત પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી ડૉ. સી. કે. ટીંબડીયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના નિયામકો, પ્રાકૃતિક કૃષિના સંયોજક મહાત્મા શ્રી પ્રફુલભાઈ સેંજલીયા, તજજ્ઞ શ્રી ડૉ. રમેશભાઈ સાવલિયા, શ્રી દીક્ષિતભાઈ પટેલ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.