ભારતમાં ગરીબો પણ ઉચ્ચ હોદ્દાના સપના પુરા કરી શકેઃ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ
(એજન્સી)નવી દિલ્હી, દ્રૌપદી મુર્મુ ભારતના ૧૫મા રાષ્ટ્રપતિ બન્યા છે. મુખ્ય ન્યાયાધીશ એનવી રમનાએ સંસદના સેન્ટ્રલ હોલમાં મુર્મુને શપથ લેવડાવ્યા હતા. દ્રૌપદી મુર્મુ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. તે સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનાર પ્રથમ આદિવાસી મહિલા છે અને સ્વતંત્ર ભારતમાં જન્મ લેનાર પ્રથમ રાષ્ટ્રપતિ છે.
રાષ્ટ્રપતિ પદની શપથ લીધા બાદ દ્રૌપદી મુર્મુએ પોતાના વક્તવ્યની શરુઆત આદિવાસી પદ્ધતિથી અભિવાદન કરતા કરી હતી અને તેમણે હાથ જાેડી જાેહાર એટલે કે નમસ્તે કહ્યા બાદ વક્તવ્યની શરુઆત કરી.
તેમણે પ્રવચનમાં કહ્યું, જાેહાર! નમસ્કાર! ભારતના તમામ નાગરિકોની આશાઓ અને આકાંક્ષાઓ અને અધિકારોના પ્રતિક સમાન આ પવિત્ર સંસદ તરફથી હું તમામ દેશવાસીઓને નમ્રતાપૂર્વક શુભેચ્છા પાઠવું છું.આપનો લગાવ, વિશ્વાસ અને તમારો સહકાર મારા માટે આ નવી જવાબદારી પૂરી કરવામાં મારી મોટી શક્તિ બની રહેશે.
દેશે મને એવા નિર્ણાયક સમયે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યો છે જ્યારે આપણે આપણી આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યા છીએ. આજથી થોડા દિવસો બાદ દેશ તેની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ કરશે. આ પણ એક યોગાનુયોગ છે કે જ્યારે દેશ તેની આઝાદીના ૭૫મા વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે મારી રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી.
અને આજે આઝાદીના ૭૫માં વર્ષમાં મને આ નવી જવાબદારી મળી છે. ઐતિહાસિક સમયે જ્યારે ભારત આગામી ૨૫ વર્ષનાં વિઝનને હાંસલ કરવા માટે તૈયારી કરી રહ્યું છે ત્યારે આ જવાબદારી સોંપવી એ મારા માટે મહાન સૌભાગ્યની વાત છે.