ભારતમાં વર્ષ-૨૦૨૨માં કેન્સરના ૧૪ લાખથી વધુ દર્દીઓ હતા- વર્ષ-૨૦૨૩માં આ આંકડો ૧૫ લાખે પહોંચ્યો
કેન્સરની સારવારની સાથોસાથ કેન્સર ન થાય તે માટે સજાગતા કેળવવાની વિશેષ જરૂર: રાજ્યપાલ
અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની ગર્વનિંગ કાઉન્સિલ અને વાર્ષિક સામાન્ય સભા યોજાઈ
(માહિતી) ગાંધીનગર, ગુજરાત કેન્સર સોસાયટી દર્દીઓની શ્રેષ્ઠ સારવાર, કેન્સર વિષયમાં શ્રેષ્ઠ શિક્ષણ અને કેન્સર ક્ષેત્રે શ્રેષ્ઠ સંશોધન કરી રહી છે. સાથોસાથ સમાજે પણ કેન્સર ન થાય તે માટે વિશેષ સજાગતા કેળવવાની જરૂર છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે અમદાવાદમાં ગુજરાત કેન્સર સોસાયટીની ગર્વનિંગ કાઉન્સિલ અને વાર્ષિક સામાન્ય સભામાં ભાગ લેતાં કહ્યું હતું કે, આપણા ખાનપાન અને આપણી જીવનશૈલીને કારણે કેન્સર જેવા મહારોગોનો વિસ્ફોટ થયો છે. કેન્સરની સારવારની સાથેસાથ કેન્સર ન થાય તે માટે જનજાગૃતિ કેળવવાની અત્યંત આવશ્યકતા છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આધુનિક ટેકનોલોજી, સંસાધનો અને સાધનોની સહાયથી ગુજરાત કેન્સર સોસાયટી કેન્સરના દર્દીઓને અને તેમના પરિવારજનોને ઓછામાં ઓછું કષ્ટ પડે એ પ્રકારે નિસ્વાર્થ ભાવે માનવતાની મોટી સેવા કરી રહી છે. માત્ર ગુજરાત જ નહીં, ભારતભરના લોકો તેનો લાભ મેળવી રહ્યા છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ભારતમાં વર્ષ-૨૦૨૨માં કેન્સરના ૧૪ લાખથી વધુ દર્દીઓ હતા. વર્ષ-૨૦૨૩માં આ આંકડો ૧૫ લાખે પહોંચ્યો છે.
તે પૈકી ગુજરાતમાં કેન્સરના ૭૩ હજાર દર્દીઓ છે. બીમારીના ઉપચારની સાથોસાથ તે ન થાય તેના ઉપાયો પણ વિચારવા જોઈએ. આપણે પર્ણોને પાણી સિંચ્યા કરીએ છીએ, ખરેખર તો મૂળમાં પાણી આપીએ તો પર્ણો સુધી પહોંચવાનું જ છે. આપણા ખાનપાન અને આપણી જીવનશૈલી સુધારીશું તો કેન્સર, ડાયાબિટીસ, બ્લડપ્રેશર જેવા રોગોને થતા જ અટકાવી શકીશું.
વૈજ્ઞાનિક સંશોધનો અને અભ્યાસોના તારણને ટાંકતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, અનાજની હાઇબ્રીડ જાતો અને રાસાયણિક ખાતર તથા જંતુનાશક દવાઓના વધારે પડતા ઉપયોગને કારણે આપણા ખાદ્યાન્નમાંથી ૪૫% પોષક તત્વો ગાયબ છે. વધુ ઉત્પાદન મેળવવાની લ્હાયમાં આપણે પોષક તત્વો ગુમાવ્યા છે. એટલે જીવલેણ રોગોનું આક્રમણ વધ્યું છે. કેન્સર માટે તમાકુ તો જવાબદાર છે જ, રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના બેફામ ઉપયોગથી આપણા ભોજનમાં આપણે ધીમું ઝેર લઈ રહ્યા છીએ. ફાસ્ટ ફૂડ – જંક ફૂડનો વધતો પ્રભાવ અને યોગ – પ્રાણાયામના અભાવને આપણે ગંભીરતાથી લેતા નથી. જેવું અન્ન એવું મન. અન્નથી જ મન બને છે. આહાર શુદ્ધ હશે તો તન અને મન બંને શુદ્ધ અને રોગ રહિત રહેશે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પહેલાં નદી-તળાવ અને સરોવરોમાં છલ્લોછલ પાણી દેખાતા હતા, પછી પાણી માટે આપણે કુવા સિંચ્યા અને આજે આપણે બોટલોમાં પાણી મેળવી રહ્યા છીએ. જો આમ જ ચાલ્યું તો આવનારા દિવસોમાં આપણે પાણીના ઈન્જેક્શન લેતા હોઈશું. વિકાસ અને ઉત્પાદનના નામે આપણે પ્રકૃતિનો વિનાશ કરી રહ્યા છીએ. આવનારી પેઢી એ ઘણી પરેશાની ભોગવવાની થશે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, શુદ્ધ અન્ન માટે પ્રાકૃતિક ખેતી એકમાત્ર ઉપાય છે. ગુજરાતમાં ૯ લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. તેમણે તમામને પ્રાકૃતિક કૃષિ પેદાશો જ વાપરવાનો આગ્રહ કર્યો હતો.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે, ગુજરાત કેન્સર સોસાયટી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિ અને શ્રી પંકજભાઈ પટેલ તથા તેમના સાથીઓની મહેનતનું પરિણામ છે. ગુજરાત કેન્સર સોસાયટીમાં સુવિધાઓ માટે મોટું દાન આપનાર ત્રણ દાતાઓ; શ્રી સંદીપ એન્જિનિયર (એસ્ટ્રલ પાઈપ), શ્રી રાકેશભાઈ શાહ (કંચન ફાર્મા) અને શ્રી જયંતીભાઈ પટેલ (મેઘમણી ગ્રુપ) નું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સન્માન કર્યું હતું.
ગુજરાત કેન્સર સોસાયટીના અધ્યક્ષ શ્રી પંકજભાઈ પટેલ પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે છેલ્લા છ દાયકાથી સોસાયટી કેન્સરના દર્દીઓની સારવાર અને કેન્સર પ્રત્યે જાગૃતિ કેળવવા પ્રયત્નશીલ છે કેન્સર નિદાન શિબિર અને તાત્કાલિક સારવાર ને વધુ પ્રોત્સાહન આપીને સોસાયટી કેન્સરના દર્દીઓની પીડા ઓછી કરવાનો હર સંભવ પ્રયાસ નિરંતર કરી રહી છે.
તેમણે કહ્યું કે, ગુજરાત કેન્સર અનુસંધાન સંસ્થાન, ગુજરાત કેન્સર સોસાયટી મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, ડૉ. ટી બી પટેલ ડ્રગ બેંક અને કોમ્યુનિટી કેન્દ્ર ના માધ્યમથી ગુજરાત કેન્સર સોસાયટી દર વર્ષે લગભગ ૮ લાખ ઓપીડી દર્દીઓ અને ૬૦,૦૦૦ ઇન્ડોર દર્દીઓને સેવા આપી રહી છે. ગુજરાત કેન્સર અનુસંધાન સંસ્થાન નવા પ્રોટોન કેન્દ્રની યોજના બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે. ડૉ. ટી. બી. પટેલ ડ્રગ સેન્ટરના માધ્યમથી એક લાખ જેટલા દર્દીઓને સબસીડીવાળી દવાઓ આપવામાં આવી રહી છે.
બેઠકની શરૂઆતમાં જનરલ સેક્રેટરી શ્રી ક્ષિતિશ મદનમોહને સ્વાગત ઉદ્ભોધન કર્યું હતું અને અંતમાં ગુજરાત કેન્સર સોસાયટીના સેક્રેટરી શ્રી દિવ્યેશ રાડીયાએ આભાર વિધિ કરી હતી.