જંબુસર નગરમાં ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ : ધરણાની ચિમકી ઉચ્ચારી

(પ્રતિનિધિ) ભરૂચ, જંબુસર નગરમાં નીચાણવાળા વિસ્તારોમાં ગટરો ઉભરાતા રહીશો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે જેને લઈ અચોક્કસ મુદ્દતના ધરણા કરવાની ચીમકી રહીશોએ ઉચારી હતી. જંબુસર નગરપાલિકા તંત્ર નગરપાલિકા વિસ્તારમાં જનતાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી છે વર્ષોથી વણ ઉકલી સમસ્યાઓ ઉકેલવામાં ઉણી ઉતરી છે.
જંબુસર નગરમાં નીચાણવાળા વિસ્તારો જેવા કે રોહિત વાસ જલાલપુરા તળાવપુરા સોસાયટી વિસ્તારો ભૂત ફળિયા આંબેડકર ફળિયા સહિતના વિસ્તારોમાં ગટરના પાણી દુર્ગંધ મારતા ઉભરાતા હોય રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.આ ઉભરાતી ગટરો અંગે પાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે.છતાંય તેમના પેટનું પાણી હાલતું નથી પાલિકા સત્તાધીશો ને પ્રજાની સમસ્યાઓ પ્રાથમિક સુવિધાઓ આપવામાં રસ ન હોય તેમ જણાઈ રહ્યું છે.
નવી ચૂંટાયેલી પાંખને બે વર્ષ જેટલો સમય વીતવા છતાય જંબુસર ની સમસ્યાઓનું નિરાકરણ કે વિકાસના કાર્યો કર્યા નથી એવો આક્ષેપ નગરપાલિકા વિરોધ પક્ષ નેતા સાકીર ભાઈ મલેક દ્વારા કરાયો હતો આ સહિત આગામી દિવસોમાં ચોક્કસ મુદતના ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી.