કુડાસણમાં સુરતની પેઢીએ પ્લોટમાં ગેરકાયદે દુકાનો બાંધી ભાડે આપી દીધી
‘ગુડા’એ ભાડે આપેલા કરોડોના પ્લોટ પર દુકાનો બનાવી દેવાતાં ફાળવણી રદ
ગાંધીનગર, ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ (ગુડા)એ સુરતની સંસ્થાને કુડાસણમાં ખાણી-પીણી માટે ભાડે આપેલા કરોડોના પ્લોટ પર દુકાનો ખડકી દેવામાં આવી હતી અને આ દુકાનો ભાડે આપી કમાણી કરવામાં આવતી હોવાની વિગતો સામે આવતા ગુડાએ લાલ આંખ કરી શરત ભંગ બદલ પ્લોટની ફાળવણી રદ કરી દીધી હતી. In Kudasan, a Surat farm built illegal shops in plots and rated them out.
આ અંગેની વિગતો એવી છે કે ટીપી સ્કીમની રચના દરમિયાન ગુડાએ કપાતની જમીનના વિવિધ પ્લોટ જુદા જુદા હેતુ માટે અનામત રાખ્યા આવ્યા છે તે પૈકી વેપાર અને રહેણાંકના હેતુના પ્લોટ વેચીને ગુડા દ્વારા આવક ઉભી કરવામાં આવે છે. તે ઉપરાંત કેટલાક મોટા પ્લોટ ભાડે આપીને પણ કમાણી ઉભી કરવા ગુડા દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યુ હતું.
તે મુજબ ટાઉન ટીપી નંબર ૬ના કુડાસણ વિસ્તારમાં ગુડા હસ્તક ૩,ર૧૯ ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતો પ્લોટ હતો. તે પ્લોટ સુરતના કતાર ગામ વિસ્તારમાં રહેતા મહેશભાઈ વાઘાણીની વાટિકા હોસ્પિટાલિટી સર્વિસીસ નામની પેઢીએ ફૂડકોર્ટ બનાવવા માટે ગુડા પાસે ત્રણ વર્ષ માટે માંગ્યો હતો તેની અરજીના સંબંધમાં શરતોને આધીન ભાડાપટ્ટે આપવાનો હુકમ ગુડાએ કરી જમીનની ફાળવણી માત્ર ૬ મહિના માટે કરી હતી.
દરમિયાન છ મહિના પછી ગત જાન્યુઆરી મહિનામાં ગુડાએ સ્થળ તપાસ કરી હતી ત્યારે આ પ્લોટ પર દુકાનો ઉતારીને તે પેટા ભાડે આપી દેવાઈ હોવાની વિગતો સામે આવી હતી તેના પગલે સંસ્થાને નોટિસ આપી ખુલાસો માગ્યો ત્યારે પેઢીએ પેટા ભાડે આપ્યાનો ઈન્કાર કર્યો હતો,
પરંતુ તંત્રે ખુલાસો ગ્રાહ્ય રાખ્યો ન હતો. કેમ, કે પેઢીએ દુકાનોનું બાંધકામ કરીને અલગ અલગ વ્યવસાય માટે પેટા ભાડેથી આપી દીધી હોવાની હકીકત સામે આવી હતી. જેથી ગુડાએ તા.૧પમી જૂને પેઢીને શરતભંગ કરાયો હોવાની નોટિસ આપીને પ્લોટની ફાળવણી રદ કરી દીધી હતી.