સાયલાના મોટા ભડલા ગામે કૌટુંબિક કાકીના પ્રેમીએ દિયરની હત્યા કરી

સુરેન્દ્રનગર, સાયલા તાલુકાના છેવાડાના સુખભાદર નદીને કાંઠે આવેલા મોટા ભડલા ગામે પરિણીતાના પ્રેમીએ એક યુવકની હત્યા કરી નાખતા ચકચાર મચી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, મોટા ભડલા ગામમાં રહેતા સતા ઉળે સતિષ ભોટાભાઈ ખરગીયાને તેનાં જ કુંટુંબના બોઘાભાઈની પત્ની લખીબેન સાથે છેલ્લા ચારેક વર્ષ અગાઉ આંખ મળી જતા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. બન્ને અવારનવાર એકબીજાને મળતા હતા.
મંગળવારની રાતે એકાદ વાગ્યાના અરસામાં સતો ઉળે સતિષ લખીબેનને મળવા તેના ઘરે ગયો તે સમયે ઘરના લોકો જાગી જતા દેકારો બોલી ગયો હતો.
રાતના સમયે થયેલ દેકારા બાદ સતો ઉળે સતિષ ત્યાંથી નાસી છૂટી પોતાના ઘરમાં ઘૂસી ગયો હતો. એ પછી બોઘાભાઈ, તેમના ભાઈ ભુરાભાઈ સહિત ત્રણથી ચાર લોકો સતાને આ અનૈતિક સંબંધ બાબતે સમજાવવા તેના ઘરે ગયા હતા અને સમજાવતા હતા. આ સમયે સતો ઉશ્કેરાઈ ગયો અને કહ્યું હતું કે, તમે બધા અહીંથી જતા રહો નહીંતર હું તમને બધાને મારી નાખીશ.
એમ કહી તેની પાસે રહેલ ફરસીનો ઘા ત્યાં ઊભેલા ભુરાભાઈના માથા પર કરતા રાડારાડી બોલી ગઈ હતી. આરોપી સતાનો ફરસીનો ઘા મરણતોલ સાબિત થતા સારવાર મળે તે પહેલા જ ભુરાભાઈનું કરુણ મૃત્યુ થયું હતું.
જેના પગલે મોટા ભડલા ગામમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી. આરોપી સતા ઉળે સતિષને પણ બોલાચાલી બાદ ઘટનામાં ઇજાઓ થવા પામી હતી. તેથી તેને પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો.સંબંધમાં કાકી થતી એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધના કરુણ અંજામમાં મહિલાનાં દિયર એવા યુવાને જીવ ગુમાવ્યો છે.
આ મામલે મૃતકના ભાઈ ગેલાભાઈ વશરામભાઇ ખરગીયા દ્વારા આરોપી સતા ઉળે સતિષ ભોટાભાઈ ખરગીયા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ ધજાળા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
હત્યાના બનાવની જાણ થતા લીંબડી ડીવાયએસપી વિશાલ રબારી, ધજાલા પોલીસ સહિતનો કાફ્લો ત્યાં દોડી ગયો હતો અને હત્યારા સતા ખરગીયાના ઘર પાસે તથા મૃતકના ઘર નજીક ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.SS1MS