Western Times News

Gujarati News

નિકોલમાં પુત્રવધૂએ છાતીમાં લાત મારી સાસુની પાંસળી તોડી નાખી

અમદાવાદ, નિકોલ વિસ્તારમાં અવારનવાર ઝઘડો કરનાર સાસુના ત્રાસથી ઉશ્કેરાયેલી પુત્રવધૂએ સાસુને માર માર્યાે હોવાની અને આ મારથી સાસુની પાંસળી ભાંગી ગઇ હોવાની ઘટના બની છે.

એટલું જ નહીં પૂત્રવધૂએ પોતાના પિયરમાં જઇ ઉશ્કેરતાં તેના પરિવારજનોએ સાસુ અને તેના પરિવારજનોને એસિડ ફેંકવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. નિકોલમાં પરિવાર સાથે રહેતા જનકભાઇ પટણીના લગ્ન ૨૦૨૦માં સોનિયા નામની યુવતી સાથે ધામધૂમથી થયાં હતાં. લગ્નજીવનના આટલા વર્ષમાં સોનિયાએ બે બાળકોને જન્મ આપ્યો હતો.

જોકે, સાસુ અને સસરા તથા પૂત્રવધુ વચ્ચે અવારનવાર કોઇને કોઇ વાતથી તકરાર થતી રહેતી હતી. એમાં પતિ પણ પોતાના પિતા અશોકભાઇ અને માતા ગીતાબેનનો પક્ષ લેતો હોવાથી પતિ અને પત્ની વચ્ચે પણ ખટરાગ થતો રહેતો હતો.

આના લીધે સોનિયા અવારનવાર પિયર રહેવા ચાલી જતી હતી. થોડા દિવસ અગાઉ જ પતિએ કપડાં પહેરવા બાબતે ઠપકો આપતાં સોનિયાએ પાણીની ટાંકીમાં કૂદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યાે હતો. જોકે, પતિએ સમયસૂચકતા વાપરીને હાથ પકડી લીધો હતો.

આ દરમિયાન સોનિયાના પુત્રની તબિયત ખરાબ થઇ હતી અને તાવ આવતો હોવાથી સાસુએ દવાખાને લઇ જઇ ડોક્ટરને બતાવવા સૂચવ્યું હતું.

પરંતુ કોણજાણે કેમ સોનિયા દવાખાને લઇ જવા તૈયાર ન હતી. આથી સાસુ ગીતાબેન પોતાના પૌત્રને લઇને દવાખાને જઇ રહ્યા હતા એટલે સોનિયાએ દરવાજા વચ્ચે પગ રાખીને રોકી ઝઘડો શરૂ કર્યાે હતો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે સોનિયાએ સાસુને માર મારવાની શરૂઆત કરી હતી.

સોનિયાએ સાસુના માથાના વાળ પકડીને છાતીના ડાબા ભાગે જોરથી લાત મારી હતી. આથી ગીતાબેન જોશથી નીચે ફસડાઇ પડ્યા હતા. મારામારી અને બૂમાબૂમથી આસપાસના લોકો ભેગા થઇ જતાં લોકો ભેગા થઇ ગયા હતા. આથી ઇજાગ્રસ્ત ગીતાબેનને હોસ્પિટલ ખસેડાયા હતા.

ડોક્ટરોએ એક્સરે પરથી ડાબી પાંસળી તૂટી ગઇ હોવાનું તારણ કાઢી સારવાર શરૂ કરી હતી. પોતાની માતાને માર મારનાર સોનિયાને પતિ જનકે પિયર મોકલી દીધી હતી. પિયર પહોંચી પોતાના પરિવારજનોને પતિના પરિવારજનો સામે ઉશ્કેરતાં, તેઓ નિકોલ આવીને જનકના ઘરવાળાઓને એસિડ ફેંકી, ખોટા કેસમાં ફસાવી દેવાની તથા હત્યા કરાવી દેવાની ધમકી આપી ઘર બહાર પડેલા વાહનોને નુકસાન પહોંચાડીને જતાં રહ્યાં હતાં.

આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ગીતાબેને ફરિયાદ નોંધાવતા પોલીસે સોનિયા, તેની બંને બહેનો શિવાની અને અંજલિ તથા રવિ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આદરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.