ભરૂચ તાલુકાના નિકોરા ગામમાં સરપંચ સામે 9 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરતા રાજકીય માહોલ ગરમાયો
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લામાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામે તે પહેલા જ પૂર્વ પટ્ટીના વિસ્તારમાં આવેલ નિકોરા ગામે રાજકીય માહોલ ગરમાયો છે.જેમાં ગ્રામ પંચાયતના સરપંચ પોતાની મનમાની કરતા હોવાના આક્ષેપ સાથે ગ્રામ પંચાયતના ૯ સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત મુકવા માટે ખાસ બેઠક યોજી અવિશ્વાસની દરખાસ્તને ૯ સભ્યોની હાજરીમાં મંજૂરી મળતા ગ્રામ પંચાયતમાં વિવાદનો વંટોળ ઉભો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારના નિકોરા ગ્રામ પંચાયતના સરપંચ દોલતસિંહ માનસિંહ રાજ પંચાયતનો કારોબાર ચલાવતા હતા.પરંતુ સરપંચ તરીકે પોતે જ મનસ્વી વહીવટ અને ગેરરીતિ તથા જાતે નિર્ણય કરતા હોવાના આક્ષેપ સાથે પંચાયતના સભ્યોમાં ભારે આક્રોશ હતો.જેના પગલે ગ્રામ પંચાયતના ૯ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકવા માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
જે બેઠકમાં નર્મદાબેન મુકેશભાઈ વસાવાએ દરખાસ્ત મૂકી હતી.જેમાં તેઓએ સરપંચ દોલતસિંહ રાજ વિરુદ્ધ ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૬ હેઠળ અવિશ્વાસની દરખાસ્ત કરતા સભ્યો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી.જેમાં ચૂંટાયેલા પંચાયતના ૯ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તને મંજૂરીનો મહોર મારવા આંગળી ઉંચી કરી હતી
અને અવિશ્વાસની દરખાસ્ત મંજુર કરી હાલ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચ લક્ષ્મીબેન સુરેશભાઈ વસાવાને સોંપવામાં આવ્યો હતો.જયારે સરપંચની અવિશ્વાસની દરખાસ્ત ને ના મંજુર કરવા માટે માત્ર સરપંચે આંગળી ઉંચી કરી વિરોધ દર્શાવ્યો હતો.પરંતુ સરપંચની અવિશ્વાસની દરખાસ્ત સામે ૯ સભ્યોએ આંગળી ઊંચી કરી તેઓની વિરુદ્ધ મતદાન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ૭ માર્ચના રોજ તલાટી દ્વારા પંચાયતના લેટરપેડ ઉપર સમગ્ર અવિશ્વાસ માટે થયેલ ખાસ સભાનું પ્રોસેડિંગ સાથે તાલુકા વિકાસ અધિકારીને તેઓની કક્ષાએ થી ઘટતી કાર્યવાહી કરવા પત્ર પણ મોકલી આપવામાં આવ્યો હતો.