પાલડીમાં કારમાંથી દારૂની ૮૬૬ બોટલ, સેટેલાઈટમાંથી ૭૧ બોટલ પકડાઈ
અમદાવાદ, વિધાનસભાની ચૂંટણીમાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે શહેર પોલીસ અલગ અલગ જગ્યાએ દરોડા પાડીને આરોપીઓને ઝડપી પાડવાની કામગીરી કરી રહી છે ત્યારે પાલડી અને સેટેલાઈટ વિસ્તારમાંથી દારૂ મળી આવ્યો છે. પાલડી પોલીસચોકીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ ફારુકખાન અલીખાને પોલીસ સ્ટેશનમાં મહંમદ ઝકવાન શેખ, અરવિંદ, મનીષ તેમજ અહીલ મલેક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પાલડી સ્ટેશન વિસ્તારમાં હાલમાં આગામી વિધાનસભા ચૂંટણી અંતર્ગત પ્રોહિબિશન-જુગારની પ્રવૃત્તિ અટકાવવા માટે ઝોન-૭ની સૂચના મુજબ પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પોલીસ કર્મચારીઓને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે કાગદીવાડ કબ્રસ્તાનની દીવાલ નજીક અર્ટિકા કારમાં ગેરકાયદે દારૂની બોટલો બે શખ્સો ભરી રહ્યા છે. આ બાતમીના આધારે પાલડી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તરત બનાવ જગ્યાએ પહોંચતા બે શખ્સો પૈકી એક શખ્સ પોલીસને જાેઈ ભાગી ગયો હતો, જ્યારે એક શખ્સને પોલીસે રંગેહાથે ઝડપી પાડ્યો હતો.
પોલીસે ઝડપાયેલા શખ્સની પૂછપરછી કરતાં તેણે પોતાનું નામ મહંમદ ઝકવાન શેખ અને ફતેહવાડીના સિલ્વર ફ્લેટમાં રહેતો હોવાનું જણાવ્યું હતું અને નાસી જનાર શખ્સ રાજસ્થાનનો ડ્રાઈવર હતો. આ સમયે લોકોનું ટોળું ભેગું થઈ જતાં આરોપીને પાલડી પોલીસચોકી લાવ્યા હતા. પાલડી પોલીસ ઈંગ્લિશ દારૂની બોટલો તથા બિયરના ટીન મળી કુલ ૮૬૬ બોટલ સહિત અર્ટિકા કાર જપ્ત કરી હતી. પોલીસે હાલમાં એક આરોપીનેી ધરપકડ કરી ફરાર આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ એસએમસીની ટીમે વાઈડ એન્ગલ નજીક જાહેરમાંથી દારૂની ૭૧ બોટલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
આ આરોપી ૨૪ વર્ષીય પ્રતીક બારોટ છે, જે ઔડાના મકાનમાં રહે છે. પ્રતીક બાઈક પર દારૂની બોટલ લઈ તેને સગેવગે કરવા જતો હતો ત્યારે એસએમસીની ટીમે તેને ૧.૫૮ લાખના મુદ્દામાલ સાથે તેને પકડી પાડ્યો હતો. આ આરોપી અગાઉ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દારૂની હોમ ડિલિવરી કરતાં પકડાયો છે. એસએમસીની ટીમે આરોપી કોને દારૂ આપવાનો હતો અને દારૂ ક્યાંથી લાવ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે.