મહેસાણાના પાલોદરમાં પતિએ માથામાં પાટલી મારતાં પત્નીનું મોત
મહેસાણા, મહેસાણા તાલુકાના પાલોદર ગામે રાત્રે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડામાં પતિએ પત્નીના માથામાં પાટલી મારી દેતાં પત્નીનું મોત નીપજયું હતું. મહેસાણા તાલુકા પોલીસે પતિ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણા તાલુકાના પાલોદર ગામે મલાઈ માતાના મંદિર પાછળ નવીઓળ ઠાકોરવાસમાં રહેતા લાલાજી ઈશ્વરજી ઠાકોર કલરકામની મજૂરી અને તેમના પત્ની જશોદાબેન ખેત મજુરી કરતા હતા.
બે સંતાનો સાથે રહેતા પરિવારમાં લાલાજી અવારનવાર પત્નીને મારઝુડ કરતા ત્યારે પડોશી રેખાબેન વિષ્ણુજી ઠાકોર તેમની વચ્ચે પડીને જશોદાબેનને છોડાવતા હતાં ત્યારે લાલાજી કહેતો કે રેખા કાકી ઘરે નહી હોય ત્યારે હું તને પતાવી દઈશ.
દરમિયાન રેખાબેનના માતા બિમાર થતાં પંદરેક દિવસથી તેઓ સુરત ગયા હતા બીજી તરફ શનિવારે સવારે સાતેક વાગ્યાથી લાલાજી રેખાબેનને ફોન કરતો હતો, છેવટે દસેક વાગ્યે રેખાબેને ફોન ઉપાડ્યો ત્યારે લાલાજીએ જણાવ્યું કે, રાત્રે મારે અને જશોદા વચ્ચે ઝગડો થતાં મેં તેને માથામાં પાટલી મારતા તે મરી ગઈ છે રેખાબેને પાલોદર તેમની પુત્રીને ફોન કરીને તપાસ કરવાનું કહેતાં ડોકટરને બોલાવીને તપાસ કરતા જશોદાબેન મરી ગયા હોવાનું ખુલ્યું હતું.
જેથી રેખાબેને ૧૮૧ મહિલા હેલ્પલાઈનમાં ફોન કરીને સમગ્ર બાબતની જાણ કરી હતી. પોલીસે મૃતક જશોદાબેનનું પીએમ કરાવવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને રેખાબેન મહેસાણા આવતા તેમની ફરિયાદના આધારે લાલાજી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.