રાજસ્થાનના ચુરુમાં તાપમાન ૫૦.૫ ડિગ્રીએ પહોંચી ગયું
દિલ્હીમાં ગરમીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડ્યો
નવી દિલ્હી, રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. દિલ્હીમાં ગરમીનો સો વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. આજે મંગળવારે તાપમાન ૪૯.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજસ્થાનના ચુરુમાં તાપમાન ૫૦.૫ ડિગ્રીએ પહોંચી ગયું છે. ભયાનક ગરમીને કારણો બજારોમાં સુમસામ રહે છે. જનજીવન ભારે પ્રભાવિત થયું છે.
રાજસ્થાનમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. રાજ્યના ચુરુ જિલ્લામાં મંગળવારે તાપમાનનો પારો ૫૦.૫ ડિગ્રીએ પહોંચ્યો હતો. ચુરુ જિલ્લામાં ગરમીનું રેડ એલર્ટ યથાવત છે. અહીં ગરમીએ આ સિઝનના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવામાન કેન્દ્રમાં મહત્તમ તાપમાન ૫૦.૫ ડિગ્રી નોંધાયું હતું. આ સામાન્ય કરતાં ૭.૫ ડિગ્રી સેલ્સિયસ વધુ છે.
અગાઉ, ૧ જૂન, ૨૦૧૯ ના રોજ ચુરુમાં રેકોર્ડ ગરમી હતી જ્યારે તાપમાન ૫૦.૮ ડિગ્રી નોંધાયું હતું. ૨૦૧૯ના ૫ વર્ષ બાદ અહીંના તાપમાને ફરી એકવાર રેકોર્ડ બનાવ્યો છે. અહીં આજે સવારની શરૂઆત ૩૮.૬ ડિગ્રી તાપમાન સાથે થઈ હતી જે સવારે ૧૧ વાગ્યે ૪૫.૪ ડિગ્રીએ પહોંચી હતી. બપોરે ૨ વાગ્યે અહીંનું તાપમાન ૪૭.૬ ડિગ્રી નોંધાયું હતું.
૧૯૭૧માં ચુરુ હવામાન કેન્દ્રની સ્થાપના થઈ ત્યારથી આ બીજી સિઝન છે જ્યારે તાપમાનનો પારો ૫૦ ડિગ્રીને પાર પહોંચ્યો છે. બપોરના સમયે ગરમીએ લોકડાઉન લાદી દીધું છે. રસ્તાઓ પર કર્ફ્યુ જેવી સ્થિતિ છે. કાળઝાળ ગરમીને જોતા નગરપાલિકાએ ફાયર બ્રિગેડની મદદથી સળગતા રસ્તાઓ પર પાણીનો છંટકાવ કરાવ્યો હતો.
આકાશમાંથી આગ વરસતી રહી અને રસ્તાઓ તપતા રહ્યા. ગરમીના કારણે લોકોને છાયામાં રહેવાની ફરજ પડી હતી. કુલર અને પંખા પણ ગરમી દૂર કરવામાં બિનઅસરકારક સાબિત થયા હતા.
રાજસ્થાનના મોટાભાગના વિસ્તારો ગરમીની ચપેટમાં છે. મંગળવારે ચુરુમાં ૫૦.૫ ડિગ્રી, ગંગાનગરમાં ૪૯.૪ ડિગ્રી, પિલાની અને ફલોદીમાં ૪૯.૦ ડિગ્રી, બિકાનેરમાં ૪૮.૩ ડિગ્રી, કોટામાં ૪૮.૨ ડિગ્રી, જેસલમેરમાં ૪૮.૦ ડિગ્રી, જયપુરમાં ૪૬.૬ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
મંગળવારે પિલાનીમાં મહત્તમ તાપમાન ૪૯.૦ ડિગ્રી સેલ્સિયસ હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે. અગાઉ જૂન ૨૦૧૯ માં, ચુરુમાં મહત્તમ તાપમાન ૫૦.૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રાજ્યમાં ગરમીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે કોટામાં લઘુત્તમ તાપમાન ૩૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં ૪.૬ ડિગ્રી સેલ્સિયસ વધુ છે. રાજ્યમાં લગભગ એક સપ્તાહથી આકરી ગરમી પડી રહી છે.
હવામાન વિભાગે આશા વ્યક્ત કરી છે કે આગામી ૪૮ કલાકમાં મહત્તમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે, જેનાથી રાજ્યના લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે. હવામાન જણાવ્યા અનુસાર, ૩૧ મેથી નવા પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને કારણે રાજ્યના ઉત્તરીય ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ, તોફાન અને હળવા વરસાદની સંભાવના છે.