રાજકોટ સિવિલમાં યુવતીના શરીરમાંથી પાંસળી કાઢીને કાનનો આકાર આપવામાં આવ્યો
રાજકોટની સિવિલ હોસ્પિટલ અમારા જેવા મધ્યમવર્ગીય દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે : દિશાબેન ચાવડા
રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સ્કીન વિભાગમાં ટ્રોમા, કોસ્મેટિક અને માઇક્રો વસકુલોર તથા ઓર્ગન રિકન્સ્ટ્રકશનમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરવામાં આવી રહી છે. વાત કરીએ ૧૪ વર્ષની ક્રિશાની…
મારી દીકરીને જન્મથી જ ડાબી બાજુનો બહારનો કાન જ ઊગ્યો નહોતો, પણ તે નોર્મલ વ્યક્તિની જેમ બધુ જ સાંભળી શકે છે. ઓર્ગન રિકન્સ્ટ્રકશનની જટિલ કામગીરી અંતર્ગત સ્કીન વિભાગમાં તેના ઉપર ત્રણ ઓપરેશન કરવામાં આવ્યા. પ્રથમવાર તેના શરીરમાંથી પાંસળી કાઢીને તેને કાનનો આકાર આપવામાં આવ્યો. બીજી વાર તેના શરીરમાંથી ચામડી લઈને કાન બનાવવામાં આવ્યો અને ત્રીજી વાર કાનને બહારની સાઇડ ઉપસાવીને બૂટ જોઇન કરવામાં આવી.
આ જ સારવાર અમે બહાર ખાનગી હોસ્પિટલમાં કરાવી હોત તો અમારે કેટલો ખર્ચ થાત એનો અંદાજો લગાવવો પણ અમારા માટે મુશ્કેલ છે. મોનાલી મેડમ તથા તેનો સ્ટાફ અહિયાં આવીને સમયસર કન્સલ્ટન્સી, દવા, ભોજન, સારવાર ડ્રેસિંગ સહિતની તમામ જરૂરીયાતો યોગ્ય રીતે પૂરી પાડતા હતા. રાજકોટની સિવિલ હોસ્પિટલ અમારા જેવા મધ્યમ વર્ગીય દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે, તેમ દર્દી ક્રિશા ચાવડાના મમ્મી દિશાબેન ચાવડાએ જણાવ્યું હતું.
મારા દીકરાનો હાથ સાજો કરી દઈ રાજકોટ સિવિલ હોસ્પિટલે અમારી તમામ ચિંતા દૂર કરી દીધી :સોનલબેન સોલંકી
આજથી ૩ વર્ષ પહેલા આગમાં દાઝી જવાના કારણે મારા દીકરાનો હાથ કાંડેથી અને કોણીએથી ચોંટી ગયો હતો. જેની સારવાર કરવી ખૂબ જ જરૂરી હતી નહિતર તેનો હાથ કાયમ માટે ચોંટેલો જ રહી જાત. અમને ચિંતા હતી કે અમારું બાળક તેનું આગળનું જીવન કેવી રીતે જીવશે. પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલે અમારી તમામ ચિંતા દૂર કરી દીધી.
આજથી છ મહિના પહેલા તેનું ઓપરેશન કરીને તેનો હાથ કોણીએથી છુટ્ટો કરીને નોર્મલ કરી દીધો હતો. હવે બીજા સ્ટેજમાં તેના કાંડાનું ઓપરેશન કરીને તેને નોર્મલ કરવામાં આવ્યો છે. અહીંના માયાળું સ્ટાફે કોઈ બાબતમાં ઓછું પડવા નથી દીધું. આવી સારવાર અને સેવા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જ મળી શકે, તેમ મહિપાલ સોલંકીના માતા સોનલબેન સોલંકીએ જણાવ્યું હતું.
ખાનગી હોસ્પિટલમાં મને લઈ ગયા હોત તો અધધ ખર્ચો થાત, પરંતુ સિવિલમાં મારી તમામ સારવાર નિઃશુલ્ક થઈ ગઈ : રણજીત વાઘેલા
રાજકોટ સિવિલ હોસ્પિટલની સારવાર અંગે વાત કરતાં રણજીત વાઘેલાએ કહ્યું હતું કે, રાત્રિના અગિયાર વાગ્યા આસપાસ મારુ ગંભીર એક્સિડન્ટ થયું હતું. એક્સિડન્ટના કારણે મારા બંને પગની હાલત ખરાબ થઈ ગઈ હતી, તેને જોઈ શકાય તેમ પણ નહોતા. મને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. સૌથી પહેલા મને ઓર્થોપેડિક વિભાગમાં લઈ આવ્યા હતા અને મારુ ઓપરેશન કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ મને પ્લાસ્ટિક સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યો. અહિયાં મારા બંને પગમાં પ્લાસ્ટિક સર્જરી કરીને મને નવજીવન મળ્યું છે. અહિયાં રોજ સમયસર મારુ ડ્રેસિંગ થાય છે, ડોક્ટર પોતે અહિયાં આવીને ચેકીંગ કરે છે. મને ટાઇમ ટુ ટાઇમ ભોજન, દવા અને સારવાર મળી રહે છે. ખાનગી હોસ્પિટલમાં મને લઈ ગયા હોત તો ખર્ચ પણ વધારે આવત એના બદલે મને અહિયાં નિશુલ્ક સારવાર અને એકદમ સારી સુવિધા મળી ગઈ.
આ તકે ડોક્ટર કેયૂર ઉસદડિયા દ્વારા સ્કીન વિભાગ દ્વારા કરવામાં આવતી વિવિધ સારવારની વિગતો આપવામાં આવી હતી.