રાજકોટમાં ફરી લગ્નની લાલચે સગીરાની આબરૂ લૂંટાઇ
રાજકોટ, શહેરમાં વધુ એક સગીરાને પુખ્ત વયના વ્યક્તિ દ્વારા પોતાના પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ચારથી પાંચ વખત મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સમગ્ર મામલે ફરિયાદ નોંધાતાની સાથે ગણતરીના જ કલાકોમાં રાજકોટ શહેરના આજીડેમ પોલીસ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.
૧૪ વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી ગત ૧૩મી તારીખના ૧૨ઃ૩૦ વાગ્યાના અરસામાં ૨૦ વર્ષીય વનરાજ મોહન નામનો વ્યક્તિ તેણીના ઘર ખાતેથી ભગાડીને લઈ ગયો હતો. ત્યારબાદ તેણીને ગોંડલ પંથકના વાડી વિસ્તારમાં લઈ જાય તેની સાથે ૪થી ૫ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું.
ત્યારે આરોપી સગીરાને ૨૦ તારીખના રોજ સાંજના સમયે ઘરે પરત મૂકીને જતો રહ્યો. ત્યારે સમગ્ર મામલે સગીરાના પરિવારજનોએ સગીરાની પૂછપરછ કરી હતી. ત્યારે તેણીએ સમગ્ર મામલાની હકીકત જણાવી હતી.
સગીરાએ પોતાના પરિવારજનોને જણાવ્યું હતું કે, ૧૩ તારીખના રોજ હું કેટરર્સના કામે ગઈ હતી. વનરાજ મને ગોંડલ તરફ લઈ ગયો હતો જ્યાં મને વાડી વિસ્તારમાં રાખી હતી. જ્યાં લગ્નની લાલચ આપી મારી સાથે બળજબરીપૂર્વક ચારથી પાંચ વખત શરીર સંબંધ બાંધવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે પરણીતાની ૩૫ વર્ષીય માતા દ્વારા આજીડેમ પોલીસ સ્ટેશન ખાતે વનરાજ મોહન વિરુદ્ધ ૩૬૩, ૩૬૬, ૩૭૬ (૨)(એન), ૩૭૬ (૩) અંતર્ગત ગુનો નોંધાવ્યો હતો. જે અંતર્ગત આજીડેમ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
ઇન્વેસ્ટીગેશન ઓફિસર એલએલ ચાવડાના જણાવ્યા પ્રમાણે આરોપી અને પીડિતા બંને એક જ જ્ઞાતિના છે. લગ્ન પ્રસંગોપાત પીડિતાને આરોપીઓ વચ્ચે મુલાકાત થઈ હોવાનું સામે આવ્યું છે. આરોપી ખેત મજૂરી કામકાજ સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું છે.
પીડિત અને તેનો પરિવાર મૂળ ચોટીલા પંથકનો રહેવાસી છે. તેમજ છેલ્લા ઘણા સમયથી રાજકોટ શહેરના કોઠારીયા રોડ વિસ્તાર પર રહે છે. SS1SS