સૈફના કેસમાં પોલીસ આરોપીના ચહેરાની ઓળખનો ટેસ્ટ કરશે
મુંબઈ, બોલિવૂડ સ્ટાર સૈફ અલી ખાન પર હુમલાના બહુચર્ચિત કેસમાં પોલીસ બાંગ્લાદેશી આરોપીના ચહેરાની ઓળખનો ટેસ્ટ કરશે. પોલીસે શુક્રવારે કોર્ટને જણાવ્યું હતું કે, સીસીટીવી ફૂટેજમાં દેખાતો વ્યક્તિ અત્યારે પકડવામાં આવેલો શરીફુલ જ છે કે નહીં તેની ચકાસણી માટે ટેસ્ટ કરાશે.
કોર્ટે આરોપી શરીફુલ ઇસ્લામ શહેઝાદ મોહમ્મદ રોહીલા અમીન ફકીરની કસ્ટડી ૨૯ જાન્યુઆરી સુધી વધારી હતી. દરમિયાન શરીફુલના વકીલે ઘટના અંગે સૈફના વર્ઝન સામે કેટલાક પ્રશ્નો કર્યા હતા.
તેણે દલીલ કરી હતી કે, સૈફે પોલીસને તરત કેમ ન બોલાવી? ઉલ્લેખનીય છે કે, સૈફ પર હુમલાના કેસમાં શરીફુલની ૧૯ જાન્યુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે શુક્રવારે આરોપીની કસ્ટડી માટે વધુ મુદત માંગવા સાથે જણાવ્યું હતું કે, “તપાસમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. કેટલીક મહત્વની બાબતો માટે વધુ પૂછપરછ જરૂરી છે.” સરકારી વકીલ કે એસ પાટિલ અને પ્રસાદ જોશીએ કોર્ટને જણાવ્યું હતું કે, “આરોપીના ચહેરાની ઓળખનો ટેસ્ટ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં કરવો જરૂરી છે.
જેથી સૈફના એપાર્ટમેન્ટના સીસીટીવી ફૂટેજમાં દેખાતો વ્યક્તિ શરીફુલ જ છે કે નહીં તેની ચકાસણી થઈ શકે.” આરોપીના પિતાએ દાવો કર્યાે છે કે, સીસીટીવી ફુટેજમાં દેખાતો વ્યક્તિ તેમનો દીકરો નથી. તેમણે બાંગ્લાદેશના મીડિયા સાથેની વાતચીતમાં આવું નિવેદન આપ્યું હતું. દરમિયાન શરીફુલની પોલીસ રિમાન્ડ ૨૯ જાન્યુઆરી સુધી લંબાવાઇ છે.
પોલીસે કોર્ટને કહ્યું હતું કે, તે સૈફના એપાર્ટમેન્ટમાં આરોપીના પગની છાપ સાથે શરીફુલની ફૂટપ્રિન્ટ મેચ કરશે. પોલીસે માહિતી આપી હતી કે, ગુનામાં વપરાયેલા છરાનો ટુકડો હજુ મળ્યો નથી. આરોપી તપાસમાં સહકાર નહીં આપતો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.SS1MS