સમી તાલુકામાં વીજળી પડતા ખેતરમાં કામ કરી રહેલા ચાર મજૂરો દાઝયા
૧૦૮ દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા
પાટણ, હવામાન વિભાગની આગાહીના પગલે રવિવારે સવારથી જ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં બદલાવ આવ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો.
ત્યારે પાટણ જિલ્લાના સમી તાલુકાના હરીપુરા લાલપુરા ગામે ચાલુ વરસાદે ખેતરમાં કામ કરી રહેલા ચાર મજુરો ઉપર વીજળી પડતા મજુરો શરીરના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર ઈજાગ્રસ્ત મજુરોને ૧૦૮ની મદદથી તાત્કાલિક રાધનપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જાેકે સમયસરની સારવારના કારણે હાલમાં ચારેય મજુરોની હાલત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાની મળતી હકીકત મુજબ રવિવારના રોજ પાટણ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક બદલાવ આવતા વીજળીના કડાકા અને ભડાકા સાથે કમોસમી વરસાદ શરૂ થવા પામ્યો હતો ત્યારે ચાલુ વરસાદે પાટણ જિલ્લાના સમી તાલુકાના હરીપુરા અને લાલપુરા ગામના ખેતરોમાં ચાલુ વરસાદે કામ કરી રહેલા ચાર મજુરો ઉપર અચાનક વીજળી પડતા ચારે મજુરો શરીરના ભાગે દાઝી જવા પામ્યા હતા.
જયારે આ બનાવની જાણ ખેતરમાં રહેલા અન્ય લોકોને થતા તેઓએ ૧૦૮નો સંપર્ક કરતા ૧૦૮ના ઈએમટી અને પાયલોટ તાત્કાલિક ઘટના સ્થળે જઈ દાઝેલા ચારે મજુરોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવારઅર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જયાં ફરજ પરના તબીબો દ્વારા દાઝેલા ચારે મજુરોની તાત્કાલિક સારવાર શરૂ કરતા હાલમાં ચારેય મજૂરોની સ્થિતિ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.