સરખેજમાં યુવકે પૂર્વ પ્રેમિકાના કાકાની કરપીણ હત્યા કરી

(એજન્સી)અમદાવાદ, શહેરમાં વધુ એક વખત લોહિયાળ ખેલ ખેલાવાનું શરૂ થઈ ગયું છે. કાલુપુરમાં ઈસ્લામની રૂપિયાની લેતી દેતીના મામલે હત્યા અને તે પછી ગીતા મંદિર પાસે જાનૈયાઓ દ્વારા ઢોલીની હત્યા કરવાની ઘટનાની શાહી હજુ સૂકાઈ નથી ત્યારે મોડી રાત્રે સરખેજમાં યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે.
યુવકે પૂર્વ પ્રેમિકાના કાકાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી હતી. યુવક તેના સાળાના ઘરે પ્રસંગમાં આવ્યો ત્યારે તે પૂર્વ પ્રેમિકાના ઘર પાસેથી બુલેટ લઈને અવારનવાર પસાર થતો હતો અને હોર્ન મારતો હતો. પ્રેમિકાના કાકાએ યુવકને ઠપકો આપ્યો ત્યારે મામલો બીચકયો હતો અને છરીના ઘા ઝીંકી દીધા હતા. શહેરમાં બે દિવસમાં ત્રણ હત્યા થતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે.
સરખેજ વિસ્તારમાં આવેલી મસ્તાન બાવાની દરગાહ સામેના કુંભારવાસમાં રહેતા હસન સુમરાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં મુસ્તાક સુમરા (રહે.કુંભારવાસ, સરખેજ) વિરૂદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. હસન સાથે તેના પિતા ઈસ્માઈલ, માતા ઝુબેદા, ભાઈ ઈલિયાસ અને પત્ની મુસ્કાન રહે છે. ગઈકાલે રાતે હસન પોતાનું કામ પતાવીને ઘરે આવ્યો હતો અને જમી-પરવરીને ઘર બહાર આવેલા પાનના ગલ્લા પાસે બેઠો હતો.
આ સમયે હસનનો ભાગ ઈલિયાસ તેમજ પાડોશમાં રહેતો સાબીર પણ ગલ્લા પાસે બેઠા હતા. આ દરમિયાન મુસ્તાક સુમરા આવ્યો હતો. મુસ્તાક સુમરા અને હસનના પરિવાર વચ્ચે મનદુઃખ ચાલતું હતું. મુસ્તાક સુમરાને હસનની ભત્રીજી સાથે અનૈતિક સંબધ હતા જેને લઈને દુશ્મનાવટ ચાલતી હતી. મોડી રાતે મુસ્તાક ત્રણ-ચાર વખત બુલેટ લઈને હસનના ઘર પાસે નીકળ્યો હતો અને હોર્ન મારવા લાગ્યો હતો.
દરમિયાનમાં ઈલિયાસે બૂમ પાડીને મુસ્તાકને ઊભા રહેવા માટે કહ્યું હતું. મુસ્તાકે બુલેટ ઊભું રાખતા ઈલિયાસને ઠપકો આપ્યો હતો દરમિયાન મુસ્તાકે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને ઈલિયાસની છાતીમાં મારી દીધી હતી. ઈલિયાસ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડયા હતા. જેથી એકત્ર થયેલા લોકો તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.