સુરતમાં મોબાઇલમાં સતત વ્યસ્ત રહેતી વિદ્યાર્થિનીને માતાએ ઠપકો આપતાં આપઘાત
સુરત, દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી સામે આવ્યો છે. નવમા ધોરણમાં ભણતી ૧૪ વર્ષની દીકરીને મોબાઈલનું વળગણ લાગ્યું હતું. માતાએ ઠપકો આપતા દીકરીને માઠું લાગી ગયું હતું અને તેણે આપઘાત કરી લીધો હતો.
નાની વાતમાં માઠું લાગવાથી લોકો પોતાના જીવનને ટૂંકાવી રહ્યાં છે. જે સભ્ય સમાજ માટે ચિંતાજનક છે. હવે આવી અસહિષ્ણુતા બાળકોમાં પણ ડોકાઈ રહી હોવાના આંચકાજનક કિસ્સા વધવા માંડ્યા છે. આવી જ એક દુઃખદ ઘટના સુરતમાંથી સામે આવી છે.
પાંડેસરામાં આવેલી એક સોસાયટીમાં રહેતી અને નવમાં ધોરણની વિદ્યાર્થીનીને મોબાઇલની લત લાગી હતી. તે સતત મોબાઇલમાં જ વ્યસ્ત રહેતી હતી. રોજ આ જ પ્રકારની હરકત જોઈને આજે તેની માતાએ વિદ્યાર્થીની પાસેથી મોબાઇલ લઈ લીધો હતો અને મોબાઈલનો વધારે ઉપયોગ નહીં કરવાની ટકોર કરી હતી.
માતાની વાતનું માઠું લાગી આવતા વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને જિંદગીનો અંત આણી દીધો હતો. કિશોરીનું અકાળે મોત નિપજતા પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા.
આ કિસ્સાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આત્મહત્યા મામલે ગુનો નોંધીને કિશોરીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયો હતો.આ બાબતે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, આ આપઘાતની ઘટના ખૂબ જ દુઃખદ છે.
આવી ઘટનાઓ રાજ્યમાં ફરી ન બને તે માટે શાળા, પરિવાર અને સમાજ વચ્ચે મજબૂત સંવાદ વધારવો એ અગત્યનું છે. આ પ્રકારની પરિસ્થિતિઓ અટકાવવા વાલીઓને ડિજિટલ ડિવાઇસના સદુપયોગ માટે જાગૃતિ લાવવી પડશે. આ સામુહિક ચિંતનનો વિષય છે.
વાલીઓ અને શિક્ષકોના સહિયારા પ્રયાસ તેમજ સરકારના ચુસ્ત નિયમોના અમલીકરણથી બાળકોની ભાવનાત્મક જરૂરિયાતોને સમજીને મોબાઈલ એડિક્શન દૂર કરવાના પ્રયાસો અંગે અમે પણ શિક્ષણ ક્ષેત્રના તજજ્ઞો સાથે પરામર્શ કરી રહ્યા છીએ.SS1MS