સુરતમાં ભાઈએ સગી બહેનના ઘરનું જ તાળુ તોડી ૫.૩૩ લાખની ચોરી કરી
સુરત, સુરતમાં ભાઈએ સગી બહેનના ઘરનું જ તાળુ તોડીને ૫.૩૩ લાખની મતા ચોરી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક્ટિવા લેવા માટે બનેવી પાસે સાળાએ રૂપિયા માગ્યા હતા પણ બનેવીએ આપ્યા નહતાં. એટલે સાળાએ બહેન-બનેવીનો પરિવાર દિવાળીની રજામાં બહારગામ ગયો હતો ત્યારે દરવાજાનું તાળુ તોડી રોકડ, દાગીના અને સીસીકેમેરાનું ડીવીઆર મળી ૫.૩૩ લાખની મતા ચોરી કરી હતી.
જોકે, પોલીસની પહોંચથી બચી શક્યો નહતો. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ આ ઘરફોડ ચોરી અંગે અમૃતભાઈ ભંડારીએ ફરિયાદ નોંધાવી હતી.
ઉમરા પોલીસે આ ગુનામાં તેમના સાળા જયકુમાર સુરેશભાઇ ભંડારીને ઝડપી પાડ્યો હતો. તેની બારીકાઇથી પુછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે તેની સગી બહેન બનેવીના ઘરમાં તેણે જ ચોરી કરી હતી. પોલીસ પાસે કબૂલાત કરતાં સાળા જય ભંડારીએ કબૂલ્યુ હતું કે, મારા બહેન-બનેવી આર્થિક રીતે સધ્ધર છે અને બનેવી અમૃતભાઇ ભંડારી વેલેન્ટાઇન સિનેમા પાસે આવેલા સાંઇબાબાના મંદિરમાં પુજારી અને ટ્રસ્ટી તરીકે સેવા આપે છે.
તેમણે મને મંદિરમાં સેવા કરવા માટે માસિક જમવા માટેનું રાશન ઉપરાંત પાંચ હજાર રૂપિયાના પગારે નોકરી ઉપર રાખ્યો હતો. આજથી ત્રણેક મહિના પહેલા સાળા જય ભંડારીએ એક એકટીવા ખરીદવુ હતુ. તેમાં રૂ. ૨૦,૦૦૦ ઓછા પડતા હતાં.
બહેન-બનેવી પાસે આ રૂપિયાની માંગણી કરતા તેમણે રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. એટલે મનોમન ખુબ જ દુઃખ થયું હતું. એટલે ગત તા.૦૮/૧૧/૨૦૨૪ ના રોજ બહેન-બનેવી પરિવારના સભ્યો સાથે પાલિતાણા અને વિરપુર દર્શન માટે ગયા હતા. તેમના ઘરમાં અને અગાસી ઉપર આવેલા ફુલ છોડમાં પાણી પીવડાવવા માટે મુખ્ય દરવાજાની ચાવી આરોપી એવા સાળા જયકુમારને આપી ગયા હતા. ઘરના બીજા રૂમ બંધ રાખ્યા હતા. તે દરમ્યાન તા. ૧૦મી નવેમ્બરે ઘરમાં મુકેલી રોકડ રકમ અને દાગીનાઓ ચોરી કરવાનું નક્કી કર્યું હતું.
કોઇ અજાણ્યો ચોરી કરી ગયો હોય તેવું લાગે તે માટે તેણે ઘરની પાછળ વાડાના ભાગે આવેલા લોખંડના દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરીને ઘરના કબાટમાં મુકેલી રોકડ રકમ, દાગીના ચોરી કરી લીધા હતા. ઘરમાં લગાવેલા સીસીટીવીનું ડીવીઆર પણ કાઢીને લઈ લીધું હતું. આ દાગીના તેણે સુમન લિપી આવાસમાં તેના મકાનમાં છુપાવી દીધા હતાં.
બહેનને ત્યાં ચોરી કરનાર જય ભંડારીએ તેના ઘરે બેડરૂમમાં અભરાઇની નીચેની દિવાલમાં એક ખાંચો હતો તેમાં દાગીના મુકી ઉપર વ્હાઈટ સિમેન્ટ લગાડી ચણતર કરી દીધું હતું. પોલીસે દિવાલ તોડી કુલ ૧૩૭.૫૦ ગ્રામ વજનના સોનાના દાગીના રિકવર કર્યા હતાં.આરોપીએ ડી.વી. આર .ની પણ ચોરી કરી હતી. ઓ.એન. જી.સી. બ્રીજ ઉપરથી તાપી નદીમાં ફેંકી દીધું હોવાની કબુલાત કરી હતી.SS1MS