સુરતમાં પુત્રના જન્મનો આનંદ શોક બની ગયો
સુરત, સુરત શહેરમાં તાપી નદી ઉપરના જીલાની બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. બાઈક સ્લીપ થતાં લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીના ક્લસ્ટર મેનેજરનું મોત થયું હતું. પુત્રના જન્મના બીજા જ દિવસે પિતાનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં ખુશીનો માહોલ શોકમાં તબદીલ થઈ ગયો હતો.
સ્મીમેર હોસ્પિટલમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ યુપીમાં આવેલા બનારસના વતની ૩૪ વર્ષીય બિપિન રાજેશભાઈ પાઠક હાલમાં શહેરના અડાજણ ખાતે પાલનપુર પાટિયા પાસે આવેલા સ્વસ્તિક પાર્કમાં પરિવાર સાથે રહેતા હતા, તેમને પાંચ વર્ષની પુત્રી છે અને બે દિવસ પહેલા જ પુત્રનો જન્મ થયો હતો.
તેઓ છેલ્લા ૧૨ વર્ષથી વેડરોડ પર આવેલી લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં ક્લસ્ટર મેનેજર તરીકે નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતાં હતા. ગત તારીખ ૧૬મીના રોજ રાત્રે રાબેતા મુજબ પોતાની બાઇક પર કામ પરથી ઘરે જવા માટે નીકળ્યા હતા. દરમિયાન જીલાની બ્રિજ (ચંદ્રશેખર આઝાદ બ્રિજ) પરથી પસાર થતાં હતા.
દરમિયાન બ્રિજ પર બાઈક સ્લીપ થતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર હાલતમાં જ તેમને ૧૦૮ એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા હતા. જ્યાં તેમનું આજે બપોરે સારવાર વચ્ચે મોત થયું હતું.
પુત્રના જન્મના ગણતરીના કલાકોમાં જ પિતાના મોતથી પરિવારમાં ખુશીનો માહોલ શોકમાં ફેરવાયો હતો. અકસ્માતના બનાવ અંગે રાંદેર પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી સાથે વધુ શરૂ કરી હતી.SS1MS