બોર્ડની પરીક્ષામાં સપ્લીમેન્ટરી મોડી આવતા વિદ્યાર્થીઓને પેપર અધૂરા રહ્યા
૮થી ૧૦ વખત ફોન કરવામાં આવ્યા બાદ સપ્લીમેન્ટરી આવી
(એજન્સી)રાજકોટ, રાજકોટમાં ભરાડ સ્કૂલમાં સપ્લીમેન્ટરી મોડી આવતા વિદ્યાર્થીઓના પેપર અધૂરા રહી ગયા હતા. આથી વાલીઓ અને વિદ્યાર્થીઓએ સ્કૂલ બહાર એકઠા થઈ હોબાળો કર્યો હતો.
તો બીજી તરફ અમદાવાદના સી.એન. વિદ્યાલયમાં ફક્ત એક વિદ્યાર્થી માટે કેન્દ્રની ફાળવણી કરવામાં આવતા આખા પરીક્ષા કેન્દ્રમાં એક જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આજે ધોરણ ૧૨ સાયન્સમાં કેમેસ્ટ્રી અને ૧૨ કોમર્સમાં આંકડાશાસ્ત્રનું પરીક્ષા લેવાશે.
આજની પરીક્ષામાં બોર્ડની વ્યવસ્થાના અભાવના કારણે રાજકોટની ભરાડ સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સમય ઓછો પડતા પેપર અધૂરું મૂકવું પડ્યું હતું. જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓએ શાળા બહાર એકઠા થઈ હોબાળો કર્યો હતો.
આગામી સમયમાં અન્ય પરીક્ષામાં આવું ન થાય તેવી માગ કરી હતી. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, ૫ માર્ક કરતાં વધુનું પેપર છૂટી ગયું છે.
રાજકોટની ભરાડ સ્કૂલમાં પરીક્ષા આપી રહેલી વિદ્યાર્થિની એન્જલ તલાવિયાએ જણાવ્યું હતું કે, આજે સ્ટાન્ડર્ડ મેથ્સનું પેપર હતું. આજે સમસ્યા એ થઈ હતી કે, સપ્લીમેન્ટરી અમે માગી પણ ૧૦થી ૧૫ મિનિટ મોડી આવી હતી. આથી અમારે આટલી વાર બેસવાનો વારો આવ્યો હતો. અમને એક્સ્ટ્રા સમય આપવામાં આવ્યો નહોતો.
અમને એવું કહેવામાં આવ્યું હતું કે, સરકાર તરફથી જ આ સમસ્યા હતી, એમાં કાંઈ એક્સ્ટ્રા સમય ન આપી શકીએ. અમારી એક જ માગ છે કે હવે બીજા પેપરમાં આવું ન થાય.
આ મામલે ભરાડ સ્કૂલના સંચાલક જતીન ભરાડે જણાવ્યું હતું કે, બોર્ડના નિયમ મુજબ શાળાના ટ્રસ્ટીઓ કેન્દ્ર પર હાજર રહી શકતા નથી, માટે હું ત્યાં હાજર નહતો. પરંતુ સમગ્ર હકીકત જાણવા મેં સ્ટાફ સાથે વાત કરતા જાણવા મળ્યું છે કે, અમારી શાળામાં કુલ ૨૭૦ વિદ્યાર્થીઓ ૯ ક્લાસરૂમમાં પરીક્ષા આપી રહ્યા છે.
આજે સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા હતી, પ્રથમ ૧૦૦ સપ્લીમેન્ટરી આવી હતી, એ પછી બીજી સપ્લીમેન્ટરી માટે ૮થી ૧૦ વખત ફોન કરવામાં આવ્યા બાદ સપ્લીમેન્ટરી આવતા વિદ્યાર્થીઓએ ૧૦થી ૧૫ મિનિટ બેસવું પડ્યું હતું.