અમદાવાદમાં 15 રાઉન્ડ ફાયરિંગના કેસમાં પોલીસે 20 દિવસ બાદ ગુનો નોંધ્યો
સરખેજના જમીન વિવાદમાં થયેલા ફાયરિંગના કેસમાં વધુ એક ફરિયાદ -૨૩ ફેબ્રુઆરીએ ૧૫ રાઉન્ડ ફાયરિંગ થયું હતું -જમીન દલાલની ફરિયાદના આધારે પોલીસે 15 રાઉન્ડ ફાયરિંગનો ગુનો નોંધ્યો
(એજન્સી)અમદાવાદ, શહેરના સરખેજ-શાંતિપુરા રોડ પર આવેલી જગ્યામાં ચાલી રહેલો વિવાદ વધુ વક્રાયે છે. ૨૩ ફેબ્રુઆરીએ જમીન મામલે થયેલા લોહિયાળ હુમલામાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. સમાધાન માટે ભેગા થયેલા લોકોએ જે તે સમય પર ૧૦થી ૧૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે તે સમયે સિક્યોરિટી ગાર્ડની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો હતો, જ્યારે હવે જમીન દલાલીનું કામ કરતાં આધેડની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.
અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કાળીવેજી ગામમાં રહેતા ભરતભાઈ અલગોતરે સરખેજ પોલીસ સ્ટેશનમાં હિતેન્દ્રસિંહ વાઘેલા, દીપક હીરપરા સહિત ૧૦૦થી વધુ લોકો વિરુદ્ધ ફાયરિંગ, ગેરકાયદે કબજા તેમજ ફાયરિંગની ફરિયાદ કરી છે. ભરતભાઈ અલગોતરા જમીન દલાલીનું કામ કરીને પોતાનું તેમજ પરિવારનું ગુજરાન ચલાવે છે.
વર્ષ ૨૦૧૭માં ભરતભાઈનો સંપર્ક સોહિલ સાથે થયો હતો, જેણે સરખેજમાં આવેલી એક જમીનના વેચાણ અંગેની વાત કરી હતી. સરખેજમાં આવેલી જમીન હરિશંકર પ્રજાપતિ અને તેના પરિવારજનોની હતી, જેમાં વિવાદ હોવાથી કોર્ટ કેસ ચાલુ હતો. ભરતભાઈને જમીન પસંદ આવી જતાં ૩૧ કરોડ રૂપિયામાં સોદો નક્કી થયો હતો, જેમાં ૩૧ લાખ રૂપિયા બાના પેટે આપવાનું કહ્યું હતું.
ભરતભાઈએ ૩૧ લાખ રૂપિયા આપતાં એક નોટરાઈઝ બાનાખતનો કરાર થયો હતો.ત્યારબાદ હરિશંકર પ્રજાપતિએ જગ્યાનો કબજો ભરતભાઈને આપ્યો હતો, જેમાં તેમણએ સિક્યોરિટી ગાર્ડને બેસાડ્યા હતા. ફેબ્રુઆરીની ૨૩ તારીખે માથાભારે તત્વોએ સામસામે હુમલો કર્યાે હતો, જેમાં એક ફરિયાદ નોંધાઈ છે.
જમીનના સમાધાન મામલે મળેલી બેઠકમાં થયેલા લોહિયાળ હુમલામાં ફાયરિંગની ઘટના પણ બની હતી. પોલીસે જે તે સમયે ઉમેશ ચૌહાણ નામના સિક્યોરિટી ગાર્ડની ફરિયાદના આધારે ચેતન પુવાર, પ્રભુ મકવાણા, રણજિતસિંહ મકવાણા, હિતેન્દ્રસિંહ બારડ તેમજ ધ્રૂવ જાદવ સહિતના લોકો વિરુદ્ધ ફરિયાદ કરી હતી ત્યારે સરખેજ પોલીસે ભરતભાઈની ફરિયાદના આધારે હિતેન્દ્રસિંહ વાઘેલા, દીપક હીરપરા, વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જે તે સમયે હિતેન્દ્રસિંહ વાઘેલા સહિતના લોકોએ ૧૦થી ૧૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ૧૫ દિવસ બાદ ક્રોસ ફરિયાદ નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.