Western Times News

Gujarati News

સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચ ક્રમાંક માટે નડતરરૂપ ખામીઓ શોધી દુર કરાશે

મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગે પબ્લીક ટોઈલેટ, માર્કેટ, રહેણાંક વિસ્તારોમાં સર્વે શરૂ કર્યો

(પ્રતિનિધિ) અમદાવાદ, કેન્દ્ર સરકારના સ્વચ્છતા સર્વેક્ષણમાં ઉચ્ચ ક્રમાંક મેળવવા માટે અમદાવાદ મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. ભુતકાળમાં જયાં ઓછા માર્કસ મળ્યા હોય ત્યાં સુધારો કરવા માટે સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા ખાસ સર્વે કરવામાં આવ્યો છે.

ખાસ કરીને એન્જીનીયરીંગ વિભાગને લગતી ફરિયાદો અને સુલભ શૌચાલયમાં અપુરતી સુવિધાનો સર્વે થયો છે આ તમામ ખામીઓ વહેલી તકે દુર કરી સ્વચ્છતા ક્રમાંકમાં મોખરે રહેવા માટે પ્રયત્ન કરવામાં આવશે. મ્યુનિ. કમિશનરે એન્જીનીયરીંગને લગતી ફરિયાદોનો સમયસર અને યોગ્ય રીતે નિકાલ થતો ન હોવાથી આસિસ્ટન્ટ મ્યુનિ. કમિશનરોને પણ આડા હાથે લીધા હતાં.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં ૪ થી ૧૧ નવેમ્બર દરમિયાન દ.પ.ઝોન અને મધ્યઝોનમાં પબ્લીક ટોઈલેટ, કેચપીટો, ફુટપાથ, ડ્રેનેજના ઢાંકણા વગેરેનો સર્વે કરવામાં આવ્યો હતો. મ્યુનિ. સોલીડ વેસ્ટ વિભાગે કરેલા સર્વેમાં દ.પ. ઝોનના જોધપુર, વેજલપુર, સરખેજ, અને મકતમપુરા વોર્ડના પબ્લીક ટોઈલેટમાં સ્વચ્છ સર્વેક્ષણ ર૦ર૪નું વોલ પેન્ટીંગ બાકી હોવાનું બહાર આવ્યું છે.

આ ઉપરાંત તૂટેલા દરવાજા, સાબુ, હેન્ડવોશ, વગેરે ઉપલબ્ધ ન હોવા, યુરિનલની યોગ્ય સફાઈ ન થવી, નળ લીકેજ જેવી ઉણપો જોવા મળી હતી. આ ઉપરાંત આ તમામ વોર્ડના કોમર્શિયલ વિસ્તારોનો સર્વે કરતા તેમાં પણ સ્વચ્છતા સર્વેક્ષણના વોલ પેન્ટીંગ જોવા મળ્યા ન હતાં. આ ઉપરાંત કેટલાંક સ્થળે ફુટપાથ પર રેડ સ્પોર્ટ, ગટરના ઢાંકણાના પોપર લેવલીગ ન થવા, જાહેરાતના લટકતા બેનરો, તૂટેલી ફુટપાથ, ખુલ્લા વાયર, ફુટપાથ પર પેવરીંગ ન હોવા,

ડ્રેનેજ ચોકઅપ થવી, મશીન હોલના કવર તુટેલા, ફુટપાથ પર પોટહોલ જેવી અનેક ખામીઓ નજરે ચડી હતી તેવી જ રીતે મધ્યઝોનના ખાડીયા, શાહીબાગ, અસારવા, દરિયાપુર અને જમાલપુર વિસ્તારમાં પણ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં એન્જીનીયરીંગને લગતી ફરિયાદોની સંખ્યા પણ વધુ જોવા મળી છે. શાહીબાગ વિસ્તારમાં યોગ્ય ફુટપાથ ન હોવા ઉપરાંત દુકાનદારો દ્વારા દબાણ કરવામાં આવ્યા હોવાની પણ નોંધ મુકવામાં આવી છે.

જયારે દરિયાપુરમાં કન્સ્ટ્રકશન મટીરિયલ મુકીને દબાણ કરવામાં આવ્યા છે. આ તમામ ખામીઓની વચ્ચે એક બે સ્થળે થોડાક સારા પરિણામ પણ જોવા મળ્યા હતા જેમાં અસારવા વોર્ડમાં સ્વચ્છ સર્વેક્ષણના વોલ પેન્ટીગ નજરે પડયા હતા. તેમજ રેસીડેન્સીયલ એરિયાની યોગ્ય સફાઈ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત જમાલપુર વોર્ડમાં કાદરીની ચાલી પાસેના પબ્લીક ટોઈલેટની બહારની બાજુએ ભીનો અને સુકો કચરો નાંખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

મ્યુનિ. કમિશનરની વીકલી રીવ્યુ મીટીંગમાં સોલીડ વેસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલા સર્વે અંગે સઘન ચર્ચા થઈ હતી. આ સર્વેમાં ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે એન્જીનીયરીંગ વિભાગ લગતા મેઈન્ટેન્સની જવાબદારી જે તે વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરોને સોંપવામાં આવી છે પરંતુ વોર્ડ કક્ષાએથી ફરિયાદોનો ઝડપી નિકાલ થતો નથી.

જેના કારણે તૂટેલી ફુટપાથો, તૂટેલી કેચપીટો, ડ્રેનેજ બેકીગ વગેરે જોવા મળે છે. જેની સીધી અસર સ્વચ્છતા સર્વેક્ષણમાં થઈ શકે છે. તેથી મ્યુનિ. કમિશનરે આ બાબતે મીટીંગમાં હાજર આસિસ્ટન્ટ કમિશનરોને આડા હાથે લીધા હતા તથા કોઈપણ ફરિયાદોનો નિયત સમયમાં નિકાલ કરવામાં આવે તે બાબતે સુચના પણ આપી હતી. અત્રે નોંધનીય છે કે મ્યુનિ. કમિશનરે નોન ટેકનીકલ અધિકારીઓને ટેકનીકલ કામ સોંપ્યા બાદ આવી ફરિયાદો વધી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.